________________
પંચમ પ્રસ્તાવ
लोभमुन्मूलयन्मूलादप्रमत्तो मुनिः सदा । क्षायोपशमिके भावे स्थितोऽनुत्सक्तां व्रजेत् ॥१५॥
યોગસાર
૨૯૭
ગાથાર્થ – ક્ષાયોપશમિકભાવમાં રહેલા મુનિ મહાત્મા લોભદશાનું મૂલથી જ ઉન્મૂલન કરતા છતાં અનાસક્ત દશાવાળા (આસક્તિ દોષથી રહિત અવસ્થાવાળા) બને છે. ।।૧૫।
વિવેચન – ઉત્સુકતા-અધીરાઈ-અધીરજ આ જીવનમાં મોટા દોષ છે. સાધનામાં આગળ વધવું હોય ત્યારે આ ઉત્સુકતા એ દોષ ધર્મના કાર્યોમાં વિક્ષેપ કરનારો છે. તેથી સૌથી પ્રથમ આ ઉત્સુકતા દોષનું નિવારણ કરવું જોઈએ. તે માટે ગ્રંથકારશ્રી સમજાવે છે કે -
અપ્રમત્ત ગુણસ્થાનકમાં રહેલા મુનિ મહાત્મા પોતાના આત્માના સહજ સ્વભાવનો પરમ આનંદ અનુભવે છે. આત્મદશાના પરમાનંદનો અનુભવ કોઈ અપૂર્વ જ હોય છે. જે માણે તે જ જાણે એવી ઉત્તમ દશા હોય છે. પરંતુ આવા પ્રકારની અપ્રમત્ત દશાનો કાળ અંતર્મુહૂર્ત માત્ર જ છે. ત્યારબાદ પુનઃ પ્રમત્ત ગુણઠાણે ગયેલા તે મુનિ મહારાજા ક્રોધમાન-માયા-લોભ ઇત્યાદિ કષાયો ઉદયમાં આવવાથી પોતાના આત્માનું ભાન ભૂલી જાય છે. માટે જ ક્ષાયોપમિક ભાવમાં વર્તતા મુનિ લોભ આદિ કષાયોનો મૂલથી જ વિનાશ કરવા સતત પ્રયત્ન કરે છે.
જ્યાં સુધી કષાયોના ઉદયનું જોર છે ત્યાં સુધી આ આત્મા પોતાનો
વિકાસ કરી શકતો નથી.
લોભાદિ કષાયોનો ક્ષય કરવા પ્રયત્ન કરવા છતાં પણ આ જન્મમાં ધારો કે તેનો ક્ષય ન જ થઈ શકે તો તે કષાયોને હળવા કરવા માટે તેના પ્રતિપક્ષી સંતોષ-સરળતા આદિ ગુણોનો વધારેમાં વધારે વિકાસ કરીને તે ગુણોને વધારે ને વધારે આત્મસાત્ કરીને (પ્રગટ કરીને) ઉદયમાં આવેલા લોભાદિ કષાયોનું બળ મંદ કરવું જોઈએ.