________________
યોગસાર
૨૯૬
પંચમ પ્રસ્તાવ ચારિત્રાચારનું નિર્મળપણે પાલન કરવાથી પોતાના જીવનમાં બાહ્યતા અને અત્યંતર તપના આસેવનરૂપ તપાચારની પ્રાપ્તિ થાય છે અને તપાચારનું પાલન આવતાં જ આત્માના વીર્યની ઉત્તમ કાર્યોમાં ઉત્સાહ સાથે વૃદ્ધિ થાય છે. તેથી વીર્યાચારનું પણ સુંદર પાલન થાય છે. આમ જ્ઞાનાચારાદિ પાંચે આચારોનું અતિશય સુંદર આરાધન થાય છે. આ આરાધન કરતાં કરતાં ઉલ્લાસ-આદર અને હૈયામાં બહુમાનાદિ ભાવોની વૃદ્ધિ થાય છે. જેના પ્રતાપે ક્ષપકશ્રેણી પ્રારંભીને ક્ષાયિકભાવવાળાં જ્ઞાન-દર્શન-ચારિત્ર અને વીર્યાદિ ગુણોની પૂર્ણ પણે પ્રાપ્તિ કરીને આ જીવ મોક્ષગામી થાય છે.
જ્ઞાનાદિ પાંચ પ્રકારના ગુણોની પ્રાપ્તિ માટેના જે આચારોનું પાલન તે જ સદાચાર કહેવાય છે અને આ સદાચાર એ જ શ્રેષ્ઠ ધર્મ છે. સદાચારી જીવન જીવવાથી ઉત્તમ સંસ્કારોના બળે અક્ષય-અનંત અને અવ્યાબાધ ભાવવાળા અનંત સુખનું નિધાન (અનંત સુખનો ભંડાર) આ આત્મા પ્રાપ્ત કરી શકે છે માટે સદાચાર જ અક્ષય ભંડાર છે.
સદાચારનું પાલન કરનારા સાધક આત્માનાં યશ અને કીર્તિ આ જગતમાં વધે છે. સદાચારી જીવન એ જ પરમ યશસ્વરૂપ છે તથા આવા પ્રકારના સદાચારના નિર્મળ પાલનથી આ આત્મામાં ધીરતાવીરતા અને સ્થિરતા ગુણોની વૃદ્ધિ થાય છે. સાધક આત્મા આવા પ્રકારના ગુણીયલ જીવનના સહારે ઘોર ઉપસર્ગ અને પરીષહોને પણ સહન કરી શકે છે અને વિશિષ્ટભાવે કર્મશત્રુઓનો નાશ કરે છે.
તથા ધીરજ ગુણના પ્રતાપે પરમાત્માના ગુણગાનમાં એકાકારતા પ્રાપ્ત કરીને આત્મસ્વરૂપના ચિંતનમાં તન્મય થઈને આ આત્મા પરમાનંદનો અનુભવ કરે છે. તે માટે સર્વે પણ મુમુક્ષુ આત્માઓએ સદાચારનું અવશ્ય સવોત્તમ પાલન કરવું જોઈએ. ||૧૪ની