________________
યોગસાર પંચમ પ્રસ્તાવ
૨૯૫ मूतॊ धर्मो सदाचारः, सदाचारोऽक्षयो निधिः । दृढं धैर्यः सदाचारः, सदाचारो परं यशः ॥१४॥
ગાથાર્થ સદાચાર એ સાક્ષાત-મૂર્તિમાન એવો ધર્મ જ છે. સદાચાર એ ક્યારેય ખૂટે નહીં એવો ગુણોનો ખજાનો છે. સદાચાર એ દઢ ધર્મ છે તથા સદાચાર એ ઉત્કૃષ્ટ કીર્તિ સ્વરૂપ છે. ૧૪l.
વિવેચન - સદાચારના પાલનથી આ જીવ ઉત્તમ સંસ્કારમય જીવન જીવીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મુક્તિપદ પ્રાપ્ત કરે છે. માટે સદાચારના પાલનનું મહત્ત્વ ઘણું જ છે, જે જૈન શાસ્ત્રોમાં વર્ણવેલું છે.
સદાચારનું પાલન એ ધર્મનું મૂલ બીજ છે. જેમ બીજ વિના વૃક્ષ ઉગતું નથી, તેમ સદાચારના પાલન વિના ધર્મરૂપી વૃક્ષ વૃદ્ધિ પામતું નથી. માટે સદાચારી જીવન એ ધર્મરૂપી વૃક્ષનું બીજ છે. સદાચારયુક્ત જીવન વિના કરાતો ધર્મ શોભા પામતો નથી. જેમ કુલટા સ્ત્રી ઉપવાસાદિ તપ કરે તો પણ તે શોભા ન પામે તેમ ઉત્તમ સંસ્કારો વિનાનું જીવન હોય તો કરાતો ધર્મ શોભા પામતો નથી.
તે માટે સાધક આત્માએ સદાચારના પાલન માટે જ્ઞાનાચાર આદિ પાંચે આચારોનું સુંદર પાલન કરવું જોઈએ. જ્ઞાનાચારના પાલનથી નિર્મળ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ અને વૃદ્ધિ થાય છે. પાયાનાં આ બન્ને જ્ઞાનોની વૃદ્ધિ થતાં તેના દ્વારા મોહનો નાશ કરીને આ જીવ કેવળજ્ઞાન પણ પ્રાપ્ત કરી શકે છે તથા જ્ઞાનાચારની સાથે આઠ પ્રકારના દર્શનાચારની પણ પ્રાપ્તિ કરીને તેના દ્વારા ઉપશમ-ક્ષયોપશમ અને અંતે ક્ષાયિક સમ્યગ્દર્શન ગુણને આ આત્મા પ્રાપ્ત કરે છે.
આ બન્ને ગુણો આવવાથી ધીરે ધીરે વિકાસ થતાં આ જીવ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ આઠ પ્રકારના ચારિત્ર ધર્મની પ્રાપ્તિ કરે છે.