________________
પંચમ પ્રસ્તાવ
कर्मबन्धदृढश्लेषं, सर्वस्याप्रीतिकं सदा । धर्मार्थिना न कर्तव्यं, वीरेण जटिनि यथा ॥ १२ ॥
યોગસાર
૨૯૩
ગાથાર્થ - બીજા જીવોને સદા અપ્રીતિ ઉત્પન્ન થાય અને આપણા આત્માને દઢ કર્મબંધ કરાવે તેવું કાર્ય ધર્માર્થી જીવે ક્યારેય પણ કરવું ન જોઈએ. જેમ શ્રી વીર ભગવંત વડે જટાધારી તાપસને અપ્રીતિ થાય, તેમ કરવાનું નિવારણ કર્યું હતુ તેમ. II૧૨॥
વિવેચન – જ્યાં જ્યાં જે જે ઔચિત્ય હોય ત્યાં ત્યાં તે તે ઔચિત્યનું પાલન કરવાથી કોઈ પણ જીવોને આપણા તરફ અપ્રીતિ થતી નથી. તે માટે અપ્રીતિના નિવારણ અર્થે ઔચિત્યનું બરાબર પાલન કરવું. થોડું પણ અનુચિત આચરણ કરવાથી અપ્રીતિનાં બીજ રોપાય છે. જે વૃદ્ધિ પામતાં કડવાં ફળ આપનાર બને છે. માટે સાધક આત્માએ ક્યારેય પણ એવું કાર્ય ન કરવું કે જેનાથી પોતાના તરફ કોઈ પણ જીવને અપ્રીતિભાવ ઉત્પન્ન થાય.
જેમ કે પરમાત્મા શ્રી મહાવીર દેવે પોતાની છદ્મસ્થાવસ્થામાં સાધુપણામાં તાપસના જીવને અપ્રીતિ ન થાય તે માટે જ તેની અપ્રીતિ ભાવના નિવારણ અર્થે જ ચાતુર્માસ હોવા છતાં પણ વિહાર કર્યો હતો. આ ઉદાહરણથી પરને અપ્રીતિ થાય તેવું વર્તન અને તેવો વ્યવહાર ન કરવો.
અન્યને અપ્રીતિભાવ ઉત્પન્ન થાય - એવો વ્યવહાર કરવાથી અસાતાવેદનીય કર્મ બંધાય છે તથા અન્ય જીવોને અપ્રીતિભાવ કરતું કાર્ય કરવાથી અતિ-દ્વેષ ઇત્યાદિ અશુભ એવાં મોહનીય કર્મ પણ બંધાય છે. તે માટે ઉત્તમ આત્માએ કોઈપણ જીવને અપ્રીતિભાવ પેદા થાય તેવું કાર્ય અથવા તેવું વર્તન ન કરવું.