________________
૨૯૨ પંચમ પ્રસ્તાવ
યોગસાર ભ્રાતૃભાવ રાખીને જ્યાં જ્યાં જે જે ઉચિત લાગે ત્યાં ત્યાં તેવું તેવું ઉચિત આચરણ કરતો છતો પરને યોગ્ય સહાયક બને છે. માટે ઔચિત્ય એ પરમબંધુ છે.
તથા “ઔચિત્ય” એ ગુણ પરમ સુખરૂપ છે. ઔચિત્યગુણનું જો પાલન થાય તો તે જીવ જ્યાં જ્યાં જે જે વ્યવહાર કરે ત્યાં ત્યાં તે તે વ્યવહારથી તે જીવને પરમસુખ-પરમશાંતિની પ્રાપ્તિ થાય છે. આ ઔચિત્ય એ શ્રેષ્ઠ ગુણ છે. જીવનમાં સર્વ ક્ષેત્રે અપનાવવા જેવો છે. અતિશય સુખદાયક આ ગુણ છે. ક્યાંય ક્યારેય ઔચિત્યતાનું ઉલ્લંઘન ન કરવું.
તથા ઔચિત્યગુણ ધર્મ આદિ ઉત્તમ કાર્યોનું પ્રધાન મૂલ કારણ છે. શ્રી તીર્થંકર ભગવંતોએ આ ઔચિત્ય ગુણને સર્વ ગુણોનું મૂલ કારણ કહ્યું છે. સાધક આત્મા સંસારી સર્વ જીવો પ્રત્યે ઉચિત વર્તન અને ઉચિત વ્યવહાર કરવાથી આત્મધર્મનો આરાધક બને છે અને તેનાથી પોતાનું કલ્યાણ સાધનાર પણ બને છે.
ઔચિત્ય ગુણના પ્રભાવથી આ જીવ સર્વને માનનીય બને છે. શ્રી તીર્થકર ભગવંતો ઔચિત્ય ગુણની પરાકાષ્ઠાવાળા હોવાથી આ ગુણને લીધે જ ત્રણે જગતને પૂજનીય બને છે. ત્રણે જગતના જીવો પરમાત્મા પ્રત્યે અતિશય અહોભાવવાળા જે બને છે, તેમાં આ ઔચિત્ય ગુણ જ પ્રધાનતાએ કારણ છે તથા તેમનું વચન પણ એટલે કે ઔચિત્ય ગુણવાળા જીવનું વચન પણ સર્વને માન્ય બને છે અને સર્વનું હિત કરનારું હોય છે. આવા ભાવવાળો આ ઔચિત્ય ગુણ છે. તેથી આપણા જીવનમાં આ ઔચિત્ય ગુણ અતિશયપણે વિકસાવવો જોઈએ, જીવનમાં લાવવો જોઈએ.
પોતાના જીવનને ઔચિત્ય ગુણથી અલંકૃત બનાવવું જોઈએ. માનવજીવન પામીને ધન્ય જીવન બનાવવું. ||૧૧