________________
યોગસાર પંચમ પ્રસ્તાવ
૨૮૭ વચનગુપ્તિ કહેવાય છે અને સામેના જીવનું હિત થાય, કલ્યાણ થાય તેવાં ઉપકારક વચનો બોલવાં તે ભાષાસમિતિ કહેવાય છે. ઉત્તમ આત્માઓએ સ્વ-પરના કલ્યાણ અર્થે ભાષાસમિતિ અને વચનગુપ્તિનું બરાબર પાલન કરવું જોઈએ.
ખાસ બોલવાનું પ્રયોજન ન હોય તો શક્ય બને તેટલું મૌન રાખવું અને કદાચ બોલવાનું પ્રયોજન ઉભુ થાય તો પણ હિત-મિતપથ્ય અને સત્ય આ ચાર ગુણવાળું વચન બોલવું કે જેનાથી સ્વનું અને પરનું એમ બન્નેનું કલ્યાણ થાય, એટલે કે સ્વને કે પરને એકેને પણ સંતાપ-પીડા ન થાય. કોઈનું પણ મન લેશમાત્ર દુભાય નહીં તેવાં હિતકારી વચનો બોલવાં.
કોમલ-હિતકારી-પ્રિય લાગે તેવાં, શાંતરસથી ભરેલાં, ઋજુતા ગુણથી યુક્ત, અને લોકોને પ્રિય લાગે તેવાં પ્રેમાળ વચનો બોલવાં. જે વચન સાંભળતાં જ લોકોને આનંદ-આનંદ થાય અને શ્રોતાવર્ગને વારંવાર તેવાં વચનો સાંભળવાનું મન થાય એવાં જ વચનો બોલવાં. સર્વ જીવોને હિતકારી, કલ્યાણકારી આવી વાણી બોલવી. પરંતુ કડવાં વચનો, ઝેર ભરેલાં વચનો, કટાક્ષ વચનો અને વ્યંગ વચનો ક્યારેય પણ ન બોલવાં. મર્મઘાતક અને વ્યંગ વચનોનું ઉચ્ચારણ તો જીવનમાંથી સર્વથા જ ત્યજી જ દેવું.
જિનેશ્વર પરમાત્માની વાણી અને જિનેશ્વર પરમાત્માનું આગમ વચન અતિશય હિતકારી અને કલ્યાણકારી વચનો છે. આવા પ્રકારની જિનેશ્વર પ્રભુની વાણીનો અભ્યાસ કરીને તેને અનુસારે શ્રોતાઓને તેની ભૂમિકા જોઈ-તપાસીને ઉચિત ઉપદેશ આપવો. જેથી તે જીવો પણ પોતપોતાની શક્તિને અનુસાર ધર્મ આરાધનામાં જોડાવા તત્પર બને. જેનાથી પોતાની હાલ જે ભૂમિકા હોય, તેમાં વધારે સ્થિર થાય, પતન ન પામે અને ઉપરની ભૂમિકા ઉપર ચઢવાનો પ્રયત્ન કરે.