________________
૨૮૨
પંચમ પ્રસ્તાવ
યોગસાર
સર્વે દુર્ગુણો જ આ જીવમાં ભરેલા છે જે દોષો જ ઉત્પન્ન કરે છે. એટલું જ નહીં, પરંતુ તે દુર્ગુણો દોષો ઉત્પન્ન કરે છે અને સદ્ગુણોનો નાશ પણ કરે છે, એટલા માટે દોષો ન આવી જાય અને પ્રાપ્ત કરેલા ગુણો નાશ ન પામી જાય, તે માટે ઘણા સજાગ રહેવું પડે છે. એટલું જ નહીં, પરંતુ આ કાર્ય કરવા માટે સદ્ગુણીઓની સોબત-સત્સંગ પણ કરવો જ જોઈએ એ જ તેનો પરમ ઉપાય છે.
ઘણી વખત તો સાધક એવા આત્માને પોતે કરેલી સાધનાનો જ અહંકાર આવી જાય છે. માટે આવા પ્રકારના મોહના દોષોથી બહુ જ ચેતતા રહેવું પડે છે. રખે તેનો છાંટો સ્પર્શી ન જાય, તેટલા માટે જ ગુરુનિશ્રા આદિ આલંબનો પરમ ઉપકારી ભાવો છે. મોહના વિકારોને જિતવા માટે ગુરુજીની નિશ્રા અતિશય જરૂરી છે.
જ્યારે જ્યારે અવસર મળે ત્યારે ત્યારે પોતાના કર્તવ્યનો ઘણો જ વિચાર કરવો અને પોતે કરેલી ભૂલોનો-દુષ્ટ કાર્યોની ગર્હા (કરેલાં પાપોની નિંદા) કરવી તથા બીજા જીવોએ કરેલાં સુકૃતોની અનુમોદના કરવાપૂર્વક તીર્થંકર પરમાત્માનું શરણ સ્વીકારવું. મહાત્મા પુરુષોના શરણનો સ્વીકાર એ જ અહંકારનો નાશ કરનાર મહાશસ્ત્ર છે.
આપણા જીવનમાં નાની-મોટી જે કોઈ ભૂલો થઈ હોય, દુષ્ટ કાર્યો કર્યાં હોય તેની આત્મસાક્ષીએ નિંદા અને ગુરુજીની સમક્ષ ગોં (વિશેષ નિંદા) કરીને પૂર્વકાળમાં કરેલી પાપચેષ્ટાઓથી બંધાયેલાં અશુભ કર્મોનો નાશ કરવો. તે માટે જન્મથી પ્રારંભીને આજ સુધી આવાં જે કોઈ દુષ્ટ કાર્યો કર્યાં હોય તેનો વધારે વધારે ખ્યાલ આવતાં “હું વિદ્વાન છું” આવા પ્રકારનો પંડિતાઈનો અહંકાર કરવો તે કેટલું શરમજનક છે, તેનું આ જીવને પોતાને ભાન થાય છે અને પોતાની ભૂલોથી પોતે જ શરમાય છે. અહંકાર તો ક્યાંય ઓગળી જ જાય છે.