________________
યોગસાર પંચમ પ્રસ્તાવ
૨૭૯ વિવેચન - સંસારી સર્વે પણ જીવો, તેણે બાંધેલાં કર્મો અને જીવકર્મનો સંબંધ આ ત્રણે વસ્તુ અનાદિકાળથી છે. પહેલો જીવ અને પછી કર્મ એમ નથી. કારણ કે જો પ્રથમ જીવ હોય અને પછી તેને કર્મો લાગ્યાં હોય તો શુદ્ધ એવા જીવને કર્મો લાગે છે એવો અર્થ થાય અને જો એમ બનતું હોય તો સિદ્ધના જીવો શુદ્ધ અને કર્મરહિત છે, તેને પણ કર્મો લાગવાં જોઈએ. પણ આવું બનતું નથી. માટે આ પ્રથમ પક્ષ બરાબર નથી.
હવે જો પહેલાં કર્મો અને પછી જીવ આમ માનીએ તો જીવ વિના એ કર્મો કર્યા કોણે ? અને પાછળથી જીવ આવ્યો હોય તો તે જીવને બનાવ્યો કોણે ? ઇત્યાદિ ઘણી શંકાઓ થાય. માટે આ બીજો પક્ષ પણ યુક્તિયુક્ત નથી. તે માટે (૧) જીવ (૨) કર્મ અને (૩) તે બન્નેનો સંયોગ આ ત્રણે વસ્તુ અનાદિની છે.
પરમતારક એવા શ્રી તીર્થંકર દેવોએ કેવળજ્ઞાનથી જોયું છે અને કહ્યું છે કે જીવન અને કર્મનો સંબંધ અનાદિકાળથી છે અને તે ક્ષીરનીરની જેમ છે. સર્વે પણ સંસારી જીવો કર્મવાળા છે અને પોતાના વડે જ કરાયેલાં તે પૂર્વકૃત શુભાશુભ કર્મોનું ફળ ભોગવે છે. અશુભ કર્મોના ઉદયથી નરક-તિર્યંચના ભવ પામીને અનેક પ્રકારની પીડાઓ ભોગવે છે. મનુષ્યભવ અને દેવનો ભવ પામીને પણ શારીરિક રોગ-શોકાદિ અને માનસિક સંતાપાદિ ઘણાં દુ:ખોને ભોગવે છે. સંસારની ચારે ગતિ દુઃખોથી જ ભરેલી છે.
અપાર દુઃખોથી ભરેલા આ સંસારમાં કોઈક જ જીવ ક્યારેક જ પુણ્યકર્મના ઉદયને લીધે દેવ-મનુષ્યના ભવમાં ઋદ્ધિ-સિદ્ધિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરીને સુખને અનુભવે છે. પણ તે સુખ અલ્પકાળ પૂરતું જ. તેમાં પણ વધારે આસક્તિ કરીને પુનઃ દુર્ગતિમાં જાય છે એટલે સુખ અલ્પકાલ અને દુ:ખ લાંબોકાળ એવી પરિસ્થિતિને તે જીવ પામે છે.