________________
યોગસાર પંચમ પ્રસ્તાવ
૨૭૭ ગાથાર્થ - સમ્યક રીતે નિશ્ચય કર્યો છે તત્ત્વનો જેણે એવો તત્ત્વજ્ઞ અને સાત્ત્વિક (સત્ત્વગુણવાળા) મુનિ ઇષ્ટ અને અનિષ્ટ ભાવોમાં સદા મગ્ન બનેલા મનને પોતાના બુદ્ધિપૂર્વકના પ્રયત્ન વડે સ્થિર કરે છે. ////
વિવેચન - મન માંકડા જેવું છે – અનાદિકાળથી આ મન પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં ભટક્યા જ કરે છે. જરૂરી કે બિનજરૂરી વિચારોમાં જ આ મન અથડાયા કરે છે. મનની ચંચળતાના કારણે વચન અને કાયા પણ સંયમમાં રહેતી નથી. જે વિષયમાં મન જોડાય છે, તે જ વિષયમાં તેને સાનુકૂળ વચન અને કાયાની પ્રવૃત્તિ સદા હોય છે. એટલે વિષયોમાં માંકડાની જેમ ભટકતા મનને સૌથી પ્રથમ કબજે કરવા જેવું છે.
જે મહાત્માએ જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરીને વીતરાગ પરમાત્માની વાણીને હૃદયમાં પચાવી છે. તેવા મહાત્મા પુરુષોએ સમ્યક પ્રકારે આત્માને હિતકારી શું? અને અહિતકારી શું? તેનો નિશ્ચય કરવાપૂર્વક સાચું અને સારું તત્ત્વ જેણે જાણેલું છે. તેવા મહાત્મા પુરુષો પોતાના સત્ત્વગુણના આલંબને મનને કબજે કરે છે.
જે મન સદા ઇષ્ટાનિષ્ટ ભાવોમાં વાંદરાની જેમ દોડાદોડી કરે છે. ઇષ્ટ વિષયો મળતાં રાગાંધ બને છે અને અનિષ્ટ વિષયો મળતાં નારાજ અર્થાત દ્વેષી બને છે. તેવા પ્રકારના મનને આવા યોગી પુરુષો જીતીને સ્થિર કરે છે. મન-વચન અને કાયાની કોઈપણ પ્રકારની પ્રવૃત્તિમાં ઘણી જ સાવધાનીપૂર્વક મહાત્મા પુરુષો પ્રવૃત્તિ કરે છે.
મનની સાવધાની રાખવા માટે મનને જિનેશ્વર પ્રભુએ બતાવેલા તત્ત્વજ્ઞાનમાં જોડી દે, સત્સંગ અને સ્વાધ્યાયાદિ ધર્મક્રિયાના આલંબને મનને વિષય-વિકારોથી રોકે છે. નવતત્ત્વોના ચિંતન-મનનમાં તથા હેય-ગ્નેય અને ઉપાદેય ભાવોના વિચારોમાં મનને ગૂંથી કાઢે છે. વધારે વિકાસ થતાં ધર્મધ્યાન અને શુક્લધ્યાનાદિ ઊંચી દશામાં મનને જોડે છે.