________________
૨૬૩
યોગસાર
ચતુર્થ પ્રસ્તાવ યુદ્ધ અથવા લોકોત્તર યુદ્ધ કહેવાય છે. કારણ કે વિષયનો રાગ અને કષાયો એ આત્માના અંતરંગ શત્રુઓ છે, તેથી જેમ લૌકિક યુદ્ધમાં જે બળવાનું રાજા હોય તે જ વિજય પામે છે. તેવી જ રીતે લોકોત્તર યુદ્ધમાં એટલે કે કષાયો અને વિષયોના રાગરૂપ મોહદશાની સાથે યુદ્ધ ખેડવામાં જે સત્ત્વશાળી અને શુરવીર મહાત્માઓ હોય છે, તે જ વિજય પ્રાપ્ત કરે છે.
સત્ત્વશાળી અને મોહ સામે યુદ્ધ ખેલવામાં શૂરવીર એવા મહાત્મા પુરુષો જ આ યુદ્ધ ખેલી શકે છે અને તેમાં વિજય પ્રાપ્ત કરી શકે છે. સત્ત્વ વિનાના કાયર લોકો તો મોહની સામે ઉભા જ રહી શકતા નથી તો યુદ્ધ ખેલવાની કે વિજય મેળવવાની વાત જ ક્યાં રહે છે? કાયર માણસો મોહની સામે ટકી શકતા નથી. એટલું જ નહીં પણ તે કાયર પુરુષો મોહરાજાને આધીન થઈ જાય છે. મોહરાજાના સેવક બની જાય છે. મોહરાજા જેમ નચાવે તેમ નાચનારા બની જાય છે.
સત્ત્વશાળી શૂરવીર પુરુષો જ મોહની સામે જંગ ખેલે છે અને તેમાં મોહને ચકચૂર કરીને વિજય પ્રાપ્ત કરે છે. કાયર પુરુષો મોહને આધીન થાય છે અને સત્ત્વશાળી આત્માઓ મોહને જીતીને પાર ઉતરે છે. મોહરાજાને જીતીને કેવલજ્ઞાનાદિ આત્મગુણોની લક્ષ્મી પ્રાપ્ત કરવી તે જ સત્ત્વશાળી જીવોનું કર્તવ્ય છે. માટે સત્ત્વગુણવાળા બનવું પણ કાયર ન બનવું. /૩૬ll. सर्वमज्ञस्य दीनस्य, दुष्करं प्रतिभासते । सत्त्वैकवृत्तिवीरस्य ज्ञानिनः सुकरं पुनः ॥३७॥
ગાથાર્થ - અજ્ઞાની અને દીન મનુષ્યને સર્વ પણ કાર્ય દુષ્કર જ લાગે છે. જ્યારે સત્ત્વગુણમાં જ છે વૃત્તિ જેની અર્થાત્ સત્ત્વને જ પોતાનું જીવન માનનારા સત્ત્વશાળી અને જ્ઞાની પુરુષને સઘળું પણ કાર્ય સહેલું જ લાગે છે. ૩ી.