________________
૨૬૪ ચતુર્થ પ્રસ્તાવ
યોગસાર વિવેચન - આ સંસારમાં જીવો બે પ્રકારના હોય છે. એક અજ્ઞાનદશામાં રહેનારા અને સત્ત્વહીન (દીન-અનાથ-લાચાર). આવા જીવો એક પ્રકારમાં ગણાય છે અને બીજા જીવો સત્ત્વશાળી-પરાક્રમી, કોઈથી ન દબાય તેવા અને જ્ઞાની-મહાજ્ઞાની, આવા જીવો બીજા પ્રકારમાં સમજવા.
ત્યાં પ્રથમ પ્રકારના એટલે અજ્ઞાની અને સત્ત્વહીન જીવો સંસારના જ સુખમાં આનંદ માનનારા ભવાભિનંદી હોય છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત બન્યા છતા દીન-લાચાર અને યાચનાશીલ હોય છે. જેની તેની પાસે જે તે વસ્તુ માગતા ફરે છે અને તેવી તેવી વસ્તુઓ મેળવીને પોતાના વિષયસુખને પોષીને જીવન જીવનારા હોય છે.
જેની જેની પાસેથી જે જે વિષયોની પ્રાપ્તિ થવી સંભવે છે. તેની તેની પાસે છે તે વિષયોની ભિખારીની જેમ ભીખ માગનારા અને લાચાર પરિસ્થિતિવાળા જીવો પ્રથમ પ્રકારના હોય છે. આવા જીવો
જ્યાં ત્યાં પાંચ ઇન્દ્રિયોના વિષયોની ભીખ જ માગતા હોય છે. જયાં પોતે જ ભિખારી હોય ત્યાં તે બીજાને શું આપે ? અર્થાત્ આવા જીવોમાં પરોપકાર કરવો કે દયા-દાનાદિ ધર્મકાર્ય કરવાં કે વ્રત-નિયમ પાળવાના કાર્યમાં ઉત્સાહવાળા થવું ઈત્યાદિ કાર્ય હોતું નથી. આવાં શ્રેષ્ઠ કાર્યો તેમાં સંભવતા પણ નથી. આવા જીવો ધર્મકાર્ય કરવામાં આળસ અને પ્રમાદને વશીભૂત થઈને સત્કર્મ કરતા નથી.
યથાર્થ જ્ઞાનદશા વિના ધર્મકાર્ય કરવામાં કે આત્મકલ્યાણના કાર્યમાં પુરુષાર્થ થતો નથી. જે આત્માઓ પાસે જ્ઞાનદશા નથી અને સત્ત્વગુણ નથી, તેવા જીવોને બધાં જ કાર્યો દુષ્કર લાગે છે. જ્યાં ત્યાં લાચારી જ અનુભવે છે અને ભિખારીની જેમ ધનવાન માણસો પાસે કાલાવાલાંઆજીજી કરીને માત્ર પોતાના ઈન્દ્રિયોના વિષયોને પોષે છે.