________________
૨૬૦ ચતુર્થ પ્રસ્તાવ
યોગસાર ઇન્દ્રિયજન્ય વિષયસુખ એ પુણ્યોદય રૂપ કર્મથી જન્ય છે, પણ મૂળરૂપે આત્માનો ગુણ નથી. સંસારનાં તમામ સુખો ક્ષણિક છે. નાશવંત છે અને પરપદાર્થોની અપેક્ષા રાખે છે. તથા તે તે પરવસ્તુ આપનારી પર વ્યક્તિની પણ અપેક્ષા રાખે છે, માટે પરાધીન છે, હેય છે, ત્યજવા યોગ્ય છે. મોહ કરાવનાર છે.
તે ઇન્દ્રિયજન્ય સુખ જે જે વિષયોને આધીન છે, તે વિષયો મેળવવા ધન ઉપાર્જન અને ધન ઉપાર્જન માટે બીજા અનેક ઉપાયોમાં વ્યસ્ત જ રહેવું પડે છે. આમ આ સુખો ડૂબાડનારા છે. આધિ-વ્યાધિ અને ઉપાધિથી આત્માને પીડનારાં છે. પરપદાર્થોની અપેક્ષા એટલે અનેક વ્યક્તિઓની પરાધીનતા-પરની પરાધીનતા એ જ મોટું દુ:ખ છે. છતાં મોહાધીનતાના કારણે આ જીવ તેમાં સુખબુદ્ધિ કરે છે અને તેમાં અંજાઈ જાય છે.
આ આસક્તિના કારણે અસતાવેદનીય આદિ અશુભ કર્મો આ જીવ બાંધે છે. આ આસક્તિ જ આ જીવને રખડાવનાર છે. તેના જ કારણે ઘણા ભવભ્રમણ વધે છે. આસક્તિ એટલે જ મોહદશા.
વિષયસુખના ત્યાગથી, તથા તે વિષયસુખના રાગ અને વિચારોથી મુક્ત બનતા આત્માનું જે સહજ સુખ-સ્વાભાવિક આનંદ અનુભવાય છે, તેની તુલના ઈન્દ્ર, રાજા કે મહારાજાના સુખ સાથે થઈ શકતી નથી. ઈન્દ્ર, રાજા અને મહારાજાનું સુખ ચિંતાઓ-ઉપાધિઓ અને પરાભવોથી ભરપૂર ભરેલું છે. તેના જ કારણે લડાઈઓ-મારામારી અનેક પ્રકારની આપત્તિઓ આપનારું તે સુખ છે. માટે પરમાર્થથી તો તે સુખ જ નથી. સુખનો છાંટો છે અને દુઃખોના પહાડો છે. માટે પરમાર્થથી તો તે દુ:ખરૂપ જ છે.
આત્માનું સાચું સુખ ભોગમાં નથી, પણ ગુણપ્રાપ્તિમાં જ છે. આત્માના ગુણોનો જે આનંદ છે, તે કોઈ લૂંટી શકતું નથી, કોઈ લઈ