________________
યોગસાર ચતુર્થ પ્રસ્તાવ
૨૫૯ વિવેચન - વામમાર્ગી જેવા દર્શનકારો સંસારસુખ ભોગવતાં ભોગવતાં મુક્તિસુખ થાય છે, આમ માને છે. પરંતુ આ વાત ખોટી છે. આમ સમજાવતાં જૈન દર્શનકાર કહે છે કે –
જો સંસારનું સુખ ભોગવતાં ભોગવતાં જ મુક્તિની પ્રાપ્તિ થતી હોય તો સર્વે પણ સંસારી જીવો સંસાર સુખભોગમાં તો જોડાયેલા જ છે. આસક્ત જ છે, તો તો તે જીવોની વહેલી-વહેલી મુક્તિ થવી જોઈએ અને આમ જો ભોગી જીવોનો પણ મોક્ષ થાય તો તો આ સંસાર ખાલી થઈ જવો જોઈએ. કારણ કે સર્વે પણ જીવો ભોગમાં તો ડૂબેલા છે જ. તે સઘળાંનો મોક્ષ થતાં સંસાર જ ખાલીખમ થઈ જવો જોઈએ. આ સંસારમાં એક પણ જીવ રહેલો દેખાવો ન જોઈએ.”
બાહ્ય ઇન્દ્રિયજન્ય જે વિષયસુખ છે, તે સાતા વેદનીય કર્મનું જ ફળ છે. આત્માનું સ્વરૂપ નથી. ભોગસુખો-સંસારનાં વિષયસુખો તે પુણ્યોદયના ફળસ્વરૂપ છે. પરદ્રવ્યમાં આસક્તિ કરાવનારાં છે અને વધારે વધારે મોહનીય કર્મને બંધાવનારાં છે. તેથી જ મહાત્મા પુરુષો તેનો ત્યાગ કરીને અર્થાત રાજ્ય જેવા સુખનો પણ ત્યાગ કરીને સંયમને સ્વીકારે છે અને ત્યાગ-વૈરાગ્ય તથા સંયમાદિ આત્મગુણોની સાધના કરે છે. - વાસ્તવિકપણે વિચાર કરીએ તો પણ સમજાય છે કે સંસારી જીવોમાં એક દશકો સુખનો તો એક દશકો દુઃખનો હોય છે. એટલે આ સુખ-દુ:ખ એ આત્માનાં મૂળ સ્વરૂપ નથી. જો આત્માનું મૂળ સ્વરૂપ હોય તો સુખ આવ્યા પછી જાય જ નહીં અને દુઃખ આવે જ નહીં અથવા દુ:ખ એ જો આત્માનું સ્વરૂપ હોય તો દુઃખ જ કાયમ રહે. સુખ આવે જ નહીં. પરંતુ આવું બનતું નથી. માટે આ ભૌતિક સુખ-દુ:ખ એ આત્માનું સ્વરૂપ જ નથી, ભૌતિક છે. એટલે કે પરપ્રત્યયિક છે, હેય છે, ત્યજવા જેવું છે. પુદ્ગલદ્રવ્યના સંયોગ-વિયોગને આધીન છે.