________________
૨૫૬ ચતુર્થ પ્રસ્તાવ
યોગસાર જીવનમાં સિદ્ધિ થાય, તેને જ મુક્તિ કહેવાય છે. આજ સુધી જે કોઈ સિદ્ધિપદને પામ્યા છે, પામે છે અને પામશે તે સર્વે પણ જીવો પરમ એવા સત્ત્વગુણમાં પ્રતિષ્ઠિત થઈ રત્નત્રયીની પૂર્ણતા પામીને જ સિદ્ધિપદ પામ્યા છે. સત્ત્વગુણમાં સર્વે પણ ગુણો પ્રતિષ્ઠિત થયેલા છે.
સત્ત્વગુણ કેળવ્યા વિના કોઈપણ કાર્યમાં સિદ્ધિ મળતી નથી. આમ કેવળ એકલું જૈનદર્શન માત્ર જ કહે છે આવું નથી. પરંતુ સર્વે પણ દર્શનોમાં આમ જ માનેલું છે. સર્વે પણ દર્શનકારોએ પોતપોતાના દર્શનમાં સત્ત્વગુણ દ્વારા જ ગુણવિકાસ વર્ણવેલો છે, તો પછી મોક્ષના સાધક એવા મુમુક્ષુ આત્માઓએ તો સત્ત્વગુણને વધારે પ્રમાણમાં આત્મસાત્ કરીને પ્રમાદને ત્યજીને ધ્યાન અને સમાધિમાં લીન થઈને પરમાત્મતત્ત્વના ચિંતનમાં તન્મય બનવા પ્રયત્ન કરવો જોઈએ.
જો સત્ત્વગુણપૂર્વક પ્રવૃત્તિ કરવામાં આવે તો જ યથાર્થ સફળતા મળી શકે છે અને આ જીવ સાચો વિકાસ સિદ્ધ કરી શકે છે. /૩૧|| एवमेव सुखेनैव, सिध्यन्ति यदि कौलिकाः ।। तद् गृहस्थादयोऽप्येते, किं न सिध्यन्ति, कथ्यताम् ॥३२॥
ગાથાર્થ - જો સત્ત્વગુણ કેળવ્યા વિના એમને એમ સુખ ભોગવતાં ભોગવતાં જ મોક્ષ થાય છે. આમ વામમાર્ગીઓ માને છે. પણ જો એ સાચું હોય તો વિષયસુખ ભોગવતા ગૃહસ્થો પણ કેમ સિદ્ધિપદ ન પામે ? સાધુ થવાની શું જરૂર છે ? તે કહો. //૩રા
વિવેચન - જો બાહ્ય એવી પાંચ ઇન્દ્રિયોના વિષયભોગથી જ મુક્તિ મળતી હોય અર્થાત્ સુખ ભોગવતાં ભોગવતાં જ જો મુક્તિ મળતી હોય તો પાંચ ઇન્દ્રિયોનાં વિષયસુખો ભોગવતા એવા ગૃહસ્થો તો વહેલાસર મોક્ષે જવા જોઈએ. તેવા ભોગી જીવોને મુક્તિપ્રાપ્તિમાં કોણ પ્રતિબંધ કરે ? પણ આમ થતું નથી, માટે આ વાત ખોટી છે.