________________
યોગસાર
ચતુર્થ પ્રસ્તાવ
૨૩૯
જીત્યો, પરંતુ સદુપદેશથી પોતાની આઠ પત્નીઓ, પોતાનાં માતાપિતા, આઠે પત્નીનાં માતા-પિતા તથા તેમના ઘરમાં ચોરી કરવા આવેલા પ્રભવ આદિ પાંચસો ચોરોને પ્રતિબોધ આપી સાચું તત્ત્વ સમજાવી સંયમના માર્ગે વાળ્યા. એટલે આ સ્ત્રીરૂપી સમુદ્રમાં લગભગ આખું જગત ડૂબેલું છે. કોઈક આવા મહાત્મા પુરુષો જ તે સમુદ્રને ઓળંગીને સુખે સુખે બહાર આવે છે. માટે આ ભોગદશાના મુખ્ય પાત્રરૂપ સ્ત્રી એ પુરુષ માટે સમુદ્ર સમાન છે. (તેવી જ રીતે પુરુષ એ સ્ત્રીને માટે ભોગદશાની વૃદ્ધિનું જ પાત્ર હોવાથી સમુદ્ર સમાન છે.) ॥૧૫॥
दूरे दूरतरे वास्तु खड्गधारोपमं व्रतम् । हीनसत्त्वस्य हि चिन्ता, स्वोदरस्यापि पूरणम् ॥१६॥
ગાથાર્થ – તલવારની ધાર ઉપર ચાલવા જેવું કઠોર સંયમ વ્રતનું પાળવું તો અતિશય દૂર રહો. પરંતુ સત્ત્વ વિનાના જીવને પોતાના ઉદરપૂર્તિની પણ ઘણી ચિંતા હોય છે. ।।૧૬।।
વિવેચન - કોઈ પણ પુરુષાર્થ કરવામાં સત્ત્વગુણની અવશ્ય અતિશયપણે આવશ્યકતા રહે છે. સત્ત્વગુણ હોય તો જ મહત્તમ કાર્ય કરવાને આ જીવ સમર્થ બને છે. સંયમ-વ્રત અને નિયમ લેવા છતાં પણ સત્ત્વહીન જીવ તે પાળવાને સમર્થ બનતો નથી અને નિયમોનો ભંગ કરે છે. વ્રતને ત્યજી દે છે. સંયમને પણ ગૌણ કરીને ભોગ તરફ ચાલ્યો જાય છે. આવા સત્ત્વહીન જીવો ઉંચા પ્રકારના વ્રત-નિયમ અને સંયમથી ભયભીત જ રહે છે. ખરેખર આવા પ્રકારના ડરપોક બુદ્ધિવાળા જીવો ધર્મના અધિકારી બનતા નથી. ઉપસર્ગ અને પરીષહો આવ્યા વિના પણ મનમાં જ તેની કલ્પના કરીને આવા જીવો વ્રતાદિથી ભાગતા જ ફરતા રહે છે.