________________
યોગસાર ચતુર્થ પ્રસ્તાવ
૨૩૩ मुनयोऽपि यतस्तेन विवशीकृतचेतसः ।। घोरे भवान्धकूपेऽस्मिन् पतित्वा यान्त्यधस्तलम् ॥१०॥
ગાથાર્થ - કારણ કે તે કામવાસનાથી પરવશ કરાયું છે ચિત્ત જેનું એવા મુનિઓ પણ ભયંકર ભવરૂપી અંધ કૂવામાં પડીને તળીયા સુધી નીચે પહોંચી જાય છે. ||૧૦ગા.
વિવેચન - પાંચ મહાવ્રતધારી ઋષિમુનિઓ કામવાસનાને જીતવા માટે જ ઘર-પત્ની-પરિવાર અને ધનાદિનો ત્યાગ કર્યા પછી વિકારોને જીતવા માટે જ ઉત્તમ સાધુપણું ગ્રહણ કરીને મોહની સામે યુદ્ધ ખેલતા હોય છે. ઘણા મુનિ મહાત્માઓ આ યુદ્ધમાં સફળ પણ થાય છે અને કામવાસનાને જીતીને કેવલજ્ઞાનાદિ ગુણરૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરીને મોક્ષગામી પણ બને છે. છતાં કોઈ કોઈ મુનિ મહારાજાને આ કામવાસના પોતાના પંજામાં ફસાવીને વ્રતોથી, નિયમોથી અને સંયમથી ભ્રષ્ટ પણ બનાવી દે છે અને વાસનાને પરવશ બનેલા આવા મુનિઓ પોતાનું આત્મતત્ત્વ ભૂલી જઈને નરક-તિર્યંચગતિમાં જઈને ભયંકર દુઃખો ભોગવતા અનંતકાલ સુધી સંસારમાં ભવભ્રમણ કરીને ભટકતા જ રહે છે.
કામવાસના કેટલી ભયંકર છે? તેના ઉપર શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં કુલવાલક મુનિ અને કંડરિક મુનિની કથા લખેલી છે. તે વાંચવા જેવી છે. કુલવાલક મુનિ મહિના મહિનાના ઉપવાસ કરવારૂપ મહાન તપ કરીને ગુરુના અવિનયના કારણે વેશ્યાના સંપર્કવાળા બનવાથી સંયમમાર્ગથી ભ્રષ્ટ થઈને અનંતકાલ સુધી ભવભ્રમણ કરનારા બન્યા છે.
તથા કંડરિક મુનિ પણ એક હજાર વર્ષ સુધી સંયમ પાળવા છતાં સંયમમાં શિથિલતા આવતાં સંયમ છોડીને ૩ દિવસ માત્ર રાજયસુખનો અનુભવ કરીને રૌદ્રધ્યાનમાં મરીને સાતમી નરકમાં ગયા છે.