________________
૨૨
પ્રથમ પ્રસ્તાવ
યોગસાર થાય છે અને તે ગુણનો અખંડ પ્રવાહ ચાલુ જ રહે છે. આ રીતે આ આત્મા સમાયોગવાળો-સમાધિયોગવાળો બને છે.
અનાદિકાલીન મોહની વાસનાના બળે - અવિદ્યાજન્ય વાસનાને પરવશ બનેલા આ જીવે સાંસારિક વસ્તુઓમાં “આ મને ઇષ્ટ છે અને આ મને અનિષ્ટ છે” આવી ભ્રાન્ત કલ્પનાઓ કરેલી છે. તે મિથ્યા-કલ્પનાઓને હવે સમ્યજ્ઞાન દ્વારા વિવેક અને બુદ્ધિના ઉપયોગપૂર્વક ઇષ્ટાનિષ્ટની કલ્પના ત્યજીને સમભાવદશા ધારણ કરે છે અર્થાત્ સર્વપદાર્થવિષયક ઇષ્ટ-અનિષ્ટની કલ્પનામાંથી મનને મુક્ત કરીને અત્યન્ત સમતાભાવમાં આવવું-રહેવું. સમતાભાવમાં સ્થિર થઈ જવું તેને સમતાયોગ કહેવાય છે. તેવા યોગને પ્રાપ્ત કરે છે. “કમઠ અને ધરણેન્દ્ર આ બન્ને દેવો પોતપોતાને ઉચિત કાર્યવાહી (એક ઉપસર્ગ કરવાનું અને બીજો ઉપસર્ગ નિવારવાનું કામ) કરતા હોવા છતાં શત્રતુલ્ય અને મિત્રતુલ્ય આ બન્ને જીવો ઉપર તુલ્ય છે મનોવૃત્તિ જેઓની એવા પાર્શ્વનાથ પ્રભુ (સારાંશ કે ઉત્કૃષ્ટ સમતાગુણમાં વર્તતા પ્રભુ) અમારૂં-તમારું કલ્યાણ કરો.” કેવો સમતાયોગ ? ઉપસર્ગ કરનારા ઉપર અને ઉપસર્ગ નિવારનારા ઉપર અતિશય સમાન ભાવ-સમતાયોગ, આ જ આત્માના કલ્યાણની પ્રાપ્તિનું પરમ સાધન છે.
આવા પ્રકારના “સમતાયોગની” સિદ્ધિ થવાથી સાધક આત્માને આમર્ષોષધિ આદિ અનેક પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. લબ્ધિઓ પ્રાપ્ત થવા છતાં તેને ફોરવવામાં તે જીવ ઉદાસીન થઈ જાય છે. પોતાના પુણ્યપ્રકર્ષને પ્રગટ કરવાના આવા જીવો અનભિલાષી હોય છે. ધીરે ધીરે સમતાયોગ વિકાસ પામતાં ઘનઘાતી કર્મોનો પણ નાશ થાય છે અને કર્મબંધના હેતુભૂત અપેક્ષારૂપ તંતુનો પણ નાશ થાય છે અને આ જીવ સર્વકર્મના બંધથી રહિત બને છે.