________________
યોગસાર તૃતીય પ્રસ્તાવ
૨૦૯ તને ચડાવનાર છે અને સાચવી રાખનાર છે અને તારે તારું પોતાનું કલ્યાણ કરવું છે. માટે તારે આ ત્રણ વ્યક્તિને જ સાચવવાના છે. તેથી સાચો સાધક આત્મા આ ત્રણ વિના બીજા કોઈને ખુશ કરવાનો પ્રયત્ન કરતો નથી. ત્રણને જ બરાબર સાચવી રાખે છે.
આ કારણથી બાહ્યદૃષ્ટિવાળા જીવો મિથ્યાત્વના ઉદયવાળા હોવાથી વિષયોની વાસનાથી અને કષાયોની વાસનાથી અતિશય ઘેરાયેલા છે. તેથી તેવા બાહ્યદૃષ્ટિવાળા જીવો ઉપર કરૂણાભાવ જ કરવો ઉચિત છે. તે જીવો બાહ્યદૃષ્ટિ હોવાથી ખુશ થાય તો પણ શું ? અને નાખુશ થાય તો પણ શું? હે જીવ ! તેઓ તારા આત્માનું કંઈ બગાડી કે સુધારી શકતા નથી. તેથી તેઓની ખુશી કે નાખુશી વડે આપણે સર્યું.
આવા મિથ્યાદૃષ્ટિ-બાહ્યદૃષ્ટિવાળા જીવો પ્રત્યે ઉપેક્ષાભાવ કરવો એ જ ઉચિત છે. જેથી હે જીવ! તારું ભવિષ્ય બગડે નહીં. તે માટે તે જીવો પ્રત્યે તું ક્યારેય રોષ કરતો નહીં તથા તેઓની પ્રવૃત્તિથી તું ક્યારેય ખુશ થતો નહીં. પણ સમભાવમાં જ રહેજે. તું તારા આત્માનો જ વિચાર કર. કર્મોના વિપાકોને વિચારતો એવો તું સમતાભાવમાં જ મગ્ન રહેવાનો પ્રયત્ન કર. સર્વે પણ જીવો પોતપોતાના કર્મના ઉદયને લીધે જ દુ:ખસુખ પામે છે. આ જીવના સુખ-દુ:ખમાં પર તો નિમિત્ત માત્ર છે.
જે જીવો વિષય અને કષાયની વાસનાને વશવર્તી થઈને હિંસાદિ પાપોનું સેવન કરી પરભવમાં નરક-તિર્યંચ જેવી હલકી ગતિમાં જાય છે, તે જીવો ધર્મનું શ્રવણ કરવાનું પામતા નથી. તેઓને ધર્મનું શ્રવણ ગમતું પણ નથી. પરમાત્મા પ્રત્યે અને ગુરુજી પ્રત્યે હૈયામાં દ્વેષ જ ધારણ કરે છે. તેથી તેવા જીવો પ્રત્યે ભાવથી કરૂણા કરીને ઉપેક્ષાભાવ રાખવો એ જ શ્રેયસ્કર છે.