________________
યોગસાર
તૃતીય પ્રસ્તાવ
૧૯૯
આધીન છે, તે કાર્ય તું કરતો નથી. તું રાગ-દ્વેષાદિ દોષોથી વિષમ બનેલી તારી જાતને સુધારતો નથી અને જે તને આધીન નથી, પરાધીન છે, સામેના જીવની ભવિતવ્યતા પાકી હોય તો જ તે સુધરે છે. આવું તું પણ જાણે છે, છતાં અન્ય લોકોને જ સમતાવાળા બનાવવાનો આટલો બધો આગ્રહ કેમ રાખે છે ? તત્ત્વ તો કંઈક સમજ.
બીજા જીવો પોતપોતાના કર્મોને આધીન છે. રાગ-દ્વેષ આદિ દોષોનો નિગ્રહ કરી શકતા નથી. તેથી સમતાભાવ પ્રગટાવી શકતા નથી, માટે તું ગામપંચાત છોડીને તારા આત્માને જ સમજાવવાનો પ્રયત્ન કર.
જે સ્વાધીન છે, તેમાં તું પ્રયત્ન કરતો નથી અને જે પરાધીન છે, તેમાં જ રચ્યો-પચ્યો રહે છે. માટે હે જીવ ! તું પોતે જ કંઈક સમજ અને તારા પોતાના આત્માને સમજાવ. પરની પંચાત ઓછી કર.
મૈત્રી-પ્રમોદ, કરૂણા અને માધ્યસ્થ, આવી પવિત્ર ભાવનાઓ ભાવવા દ્વારા તારા પોતાના આત્માને જ ભાવિત કર, વાસિત કર અને આત્માને જ પવિત્ર બનાવવા દ્વારા સમતારસ રૂપી અમૃતરસનો આસ્વાદન કર. તું પોતે કષાયો ત્યજીને સમતાભાવવાળો બની જા. પરાધીન એવા અન્ય જીવોને સમતાભાવવાળા બનાવવાનો આગ્રહ ત્યજી દે. તે કાર્ય થવું તને આધીન નથી. તે કાર્ય થવું તે, તે તે જીવના પુરુષાર્થને જ આધીન છે.
તારાથી તે જીવ કદાચ સમજશે અને માર્ગે આવશે તો પણ મેં તેનું કલ્યાણ કર્યું. આવું અભિમાન કરીને તું તારૂં તો બગાડીશ જ. તેં તારા જીવને પરનો કર્તા માન્યો અને અભિમાન કર્યું. તેમાં તારૂં અકલ્યાણ જ થાય છે અને જો તે જીવ તારું ન માને અને ન સુધરે તો તું ગુસ્સામાં અને અપ્રીતિભાવમાં આવે છે. તેમાં પણ તારૂં તો બગડે જ છે, માટે પરને સુધારવાનો અહંભાવ છોડી દે અને સ્વને સુધારવાનો પ્રયત્ન કર.