________________
યોગસાર તૃતીય પ્રસ્તાવ
૧૯૭ તથા ઉત્તમ યોગોનું સેવન આ જીવ જે કરે છે, મનથી તત્ત્વચિંતન, વચનથી ધર્મોપદેશ આપવાનું તથા અધ્યયન-અધ્યાપન કરાવવાનું કામકાજ કરે છે અને કાયાથી જયણા પાળવા પૂર્વક ધર્મનાં સઘળાં કામો જે કરે છે, તે સર્વેનું પણ સાધ્ય સમતાયોગની સિદ્ધિ જ છે. સમતાયોગ રૂપી અમૃતનું પાન જો સિદ્ધ થાય તો જ આ ત્રણેની સાધના સફળ જાણવી.
જૈનશાસનનો માર્ગ આવો છે, છતાં મોહમાં અંધ બનેલા જીવો આ બધાં અનુષ્ઠાનો આચરે છે. પણ સાધ્યદશા ભૂલી જાય છે. સમતાયોગ સાધવાને બદલે માન-સન્માન-કીર્તિ અને પ્રસિદ્ધિના લક્ષ્યમાં જ ચાલ્યા જાય છે. માત્ર લોકો રંજિત કેમ થાય ? તેનું જ લક્ષ્ય રાખીને વર્તે છે. જેથી જીવન ફોગટ ગુમાવે છે. પોતાને અનુકૂળ વર્તનારા ભક્ત મિત્રો પ્રત્યે રાગ કરીને અને વિરોધીઓ પ્રત્યે દ્વેષ કરીને ફોગટ કર્મો બાંધે છે. સમતાગુણના આંતરિક સુખથી તેઓ વંચિત જ રહે છે અને સાધના કરવા છતાં લક્ષ્ય ચૂકાઈ જવાથી બધું જ હારી જાય છે.
સમતાના લક્ષ્ય વિના શ્રુતજ્ઞાન-સંયમ અને યોગદશા આ સર્વે પણ સાધનો આત્માના કલ્યાણ કરનારાં બનતાં નથી. માટે પ્રત્યેક અનુષ્ઠાનોમાં સમતાયોગનું લક્ષ્ય રાખીને તેની જ વધારે પ્રાપ્તિ કરવા માટે આ બધું જ અનુષ્ઠાન કર્તવ્ય છે. અતિશય જાગૃત થવાની જરૂર છે. ./૧૯ી. स्वाधीनं स्वं परित्यज्य, विषमं दोषमन्दिरम् । अस्वाधीनं परं मूढ ! समीकर्तुं किमाग्रहः ॥२०॥
ગાથાર્થ - હે મૂઢ આત્મા ! દોષોથી ભરેલા, સમતાગુણ વિનાના અને સ્વાધીન એવા તારા પોતાના આત્માને (સમજવાનું-સુધારવાનું ભૂલી જઈને) પરાધીન એવા અન્ય જીવને સમતાવાળો બનાવવાનો આગ્રહ કેમ રાખે છે ? ||૨વી.