________________
૧૯૬ તૃતીય પ્રસ્તાવ
યોગસાર ચિંતામણિ રત્ન જેવી કિંમતી વસ્તુ મૂર્ખ મનુષ્ય આપી દે છે. તેવી જ રીતે લોકસંજ્ઞામાં અને મોહસંજ્ઞામાં ડૂબેલો જીવ સાધુ હોય તો પણ પોતાના ચારિત્રરૂપી કિંમતી રત્નને લોકરંજન કરવા રૂપી તુચ્છ કિંમતમાં જ વેચી દે છે. માટે આ મનુષ્યભવની કિંમત અને દુર્લભતા સમજીને તેનો યથાર્થ સાધનામાં ઉપયોગ કરવો એમાં જ ડહાપણ છે. /૧૮ श्रुतश्रामण्ययोगानां प्रपञ्चः साम्यहेतवे । तथापि तत्त्वतस्तस्माज्जनोऽयं प्लवते बहिः ॥१९॥
ગાથાર્થ - શ્રુતજ્ઞાન-સંયમ અને યોગદશાનો ઘણો વિસ્તાર શાસ્ત્રોમાં જે વર્ણવેલો છે. તે જીવનમાં સમતાદશા લાવવા માટે જ જણાવ્યો છે. તો પણ મોહાંધ લોકો તે સારભૂત સમતા તત્ત્વથી દૂર રહીને બાહ્યભાવમાં જ રાચે-માગે છે. ||૧૯મી
વિવેચન - સર્વે પણ અનુષ્ઠાનો સાધન માત્ર છે અને સમતાભાવની પ્રાપ્તિ એ સાધ્ય છે. ગમે તે રસ્તે થઈને પણ આ જીવને ગામમાં જવાનું હોય છે. કોઈ પણ ગામ એક જ હોય છે. પણ તેમાં પ્રવેશ કરવાના રસ્તા અનેક હોય છે. તેમ ઉપાયો રૂપ ધર્મ અનુષ્ઠાનો અનેક હોય છે, પણ ઉપય રૂપે સમતાયોગ એક જ છે. જે સમતાયોગ આત્મશુદ્ધિ કરીને તુરત જ મોક્ષપદ અપાવે છે, તેથી દ્વાદશાંગીનું ભલે અધ્યયન કરો. શ્રુતજ્ઞાન અપાર મેળવો, બારે અંગોનું અધ્યયન, અધ્યાપન, વાચના, પૃચ્છના-પરાવર્તના-અનુપ્રેક્ષા અને ધર્મકથા રૂપ પાંચ પ્રકારનો સ્વાધ્યાય ભલે કરો, પરંતુ તેનું ફળ-લક્ષ્ય તો સમતાયોગની પ્રાપ્તિ કરવી તે જ છે.
તથા સામાયિક આદિ ચારિત્રધર્મને સ્વીકાર કરો, શ્રેષ્ઠ સંયમ પાળો, ક્ષમા-નમ્રતા-સરળતા-સંતોષ આદિ દશ પ્રકારના યતિધર્મનું ઉચ્ચકોટિનું પાલન કરો તો પણ તે સર્વેનું સાધ્ય તો સમતાયોગની પ્રાપ્તિ કરવી તે જ છે.