________________
૧૯૫
યોગસાર
તૃતીય પ્રસ્તાવ સામાયિક સ્વરૂપ છે અને સામાયિકપણાનો ભાવ એ સર્વ જીવોને હિતકારી અને કલ્યાણકારી જ છે.
હિંસા-જૂઠ-ચોરી આદિ પાપસ્થાનકોનો ત્યાગ કરવાથી આ સમતાયોગની સિદ્ધિ થાય છે. કારણ કે હિંસા-જૂઠ-ચોરી આદિ પાપનાં કાર્યો જ ચિત્તને આકુલ-વ્યાકુલ તથા અતિશય પાપકાર્યોના આવેશવાળું બનાવે છે. જેથી વિષમતા પ્રગટે છે તથા અહિંસા-સત્ય અને અચૌર્ય આદિ ગુણોનું સેવન જ આ જીવને સમભાવદશામાં લઈ જાય છે. સમતાભાવમાં ટકાવી રાખે છે.
સમતાભાવ જેનામાં વણાયેલો છે, તેવા સાધુઓથી સર્વ જીવો ખુશખુશ રહે છે. એટલે જ પરમાત્માના સમવસરણમાં સર્પ-સિંહવાઘ જેવા હિંસક પ્રાણીઓ પણ તે કાળે અહિંસક બની જાય છે. ગમે તેવો તાપથી દાઝેલો જીવ પણ વૃક્ષોની શીતળ છાયામાં શાંત થઈ જાય છે. તેમ આવા હિંસક પ્રાણીઓ પણ પ્રભુના સમવસરણમાં આવે ત્યારે તેઓની છાયાથી જ અહિંસકભાવવાળા બની જાય છે. પ્રભુના સાન્નિધ્યનો એટલે કે તેમની સમતાભાવનો આવો પ્રતાપ છે. - સમતાભાવથી રંગાયેલા સાધુસંતોના નિકટવર્તીપણાથી પણ સર્વ જીવો ખુશી અનુભવે છે. તેઓના સમાગમમાં અને પરિચયમાં આવનારને પરમ સંતોષની પ્રાપ્તિ થાય છે. લોકોત્તર એવા સમભાવમાં સ્થિર થયેલા મુનિને લોકોને રંજિત કરવાની જરૂર જ રહેતી નથી. માત્ર પોતાના આત્માને જ સમભાવ દ્વારા રંજિત કરવાની જરૂર છે. એટલે પોતાના જ આત્માને સમતાગુણથી વાસિત કરવાની જરૂર છે અને તેના માટે જ વધારે પ્રયત્ન કરવો જરૂરી છે.
જેમ મૂર્ખ મનુષ્ય પોતાના હાથમાં પ્રાપ્ત થયેલા ચિંતામણિ રત્નને બોર જેવી તુચ્છ વસ્તુ લેવા વેચી દે છે. બોર જેવી તુચ્છ વસ્તુ લેવામાં