________________
યોગસાર
તૃતીય પ્રસ્તાવ
૧૯૧
આત્માને થતો ગુણોનો આનંદ તો જે જે આત્મા તે તે ગુણોમાં લયલીન થાય તેને જ અનુભવમાં આવે. બાકીનાને તે આનંદ અનુભવમાં આવતો નથી. જેમ કે વિનય-વિવેક આદિ ગુણોમાં વર્તનારા જીવને જ વિનય-વિવેક ગુણોના આનંદનો અનુભવ થાય. અવિનયી અને અવિવેકી જીવને તો આ વિનયી અને વિવેકી જીવ મૂર્ખ જ લાગે. એટલે જેનો આત્મા આ ગુણોમાં રમતો થાય તેને જ તે તે ગુણોની કિંમત અંકાય અને તેના સુખનો અનુભવ પણ થાય. ન્યાય અને નીતિથી પ્રાપ્ત કરાતા ધનમાં જે આનંદ અને સુખ છે, તે અનીતિ અને અન્યાયથી ધન મેળવનારાને કેમ સમજાય ? અર્થાત્ ન જ સમજાય.
આ પ્રમાણે મુનિ મહારાજની સમતારસમાં જે લયલીનતા છે, એકાગ્રતા છે, તન્મયતા છે તે જ સ્વાભાવિક (પરદ્રવ્યોથી નિરપેક્ષ) આનંદ છે તે જ આત્માની ગુણોમાં રમણતા છે. જ્યારે જીવમાં આવી દશા પ્રગટ થાય છે, ત્યારે તેનું મન ઠરેલા સમુદ્ર તુલ્ય સંકલ્પ અને વિકલ્પો વિનાનું શાંત-ધીર-વીર અને ગંભીર એવું બની જાય છે કે આ જીવને તેવું બનેલું મન જ પરમ આનંદ આપનાર બને છે. તેને જ જૈન શાસ્ત્રોમાં ઉન્મનીકરણ કહેવાય છે. મનને વિષયભોગોની પિપાસામાંથી બહાર કાઢવું-દૂર કરવું, તેનું નામ ઉન્મનીકરણ કહેવાય છે.
શાસ્ત્રોમાં કહ્યું છે કે – “જ્યારે યોગી બાહ્ય-અત્યંતર ચિંતા અને ચેષ્ટા રહિત બની પરમાત્માના સ્વરૂપમાં તન્મય થાય છે, ત્યારે તે યોગી ઉન્મનીકરણને પામ્યા” આમ કહેવાય છે. તેને અનુભવદશા પણ કહેવાય છે. તે અવસ્થામાં સાધક એવો યોગી આત્મા પોતાનામાં રહેલા શુદ્ધ અને સ્ફટિક તુલ્ય અત્યંત નિર્મળ એવા આત્મસ્વરૂપનો અનુભવ કરે છે. આને જ પરમાનંદના રસનો આસ્વાદ કહેવાય છે.
આ રીતે સમતારસમાં ઝીલવું-લયલીન થવું-તન્મય થવું એ જ આ જીવનું કર્તવ્ય છે. બાહ્ય સંજોગો સારા અને અનુકુળ મળતાં જે આનંદ થાય છે તે આનંદ સંજોગ પૂરતો જ રહે છે. વળી તે જ વસ્તુઓનો