________________
૧૮૬
તૃતીય પ્રસ્તાવ
યોગસાર ઉત્તમ કાર્યો ત્યજી દે છે. આ રીતે વિવેકરૂપી ભાવપ્રાણોનો નાશ કરનારા આ કષાયો છે, માટે જ તે કાળા નાગની તુલ્ય છે.
મુમુક્ષુ સાધક આત્માઓ સદૂગુરુનો યોગ પ્રાપ્ત કરીને સમ્યજ્ઞાનનો સતત અભ્યાસ કરીને વિવેકદશાને (ભેદજ્ઞાનને) પ્રાપ્ત કરે છે. શરીરથી આત્મદ્રવ્ય ભિન્ન છે, શરીરનો નાશ થયે છતે આત્માનો નાશ થતો નથી. આવી સત્ય સમજણના પ્રતાપે જ હિંસાદિ (હિંસા-અસત્ય-ચોરીમૈથુન-પરિગ્રહ આદિ) પાપસ્થાનકોને ત્યજી દે છે અને અહિંસા આદિ યથાર્થ ધર્મતત્ત્વનું આલંબન લે છે. શક્ય બને તેટલો ધર્મમાં જ રમનારો તે જીવ થઈ જાય છે. છતાં કોઈકવાર રાગ-દ્વેષાદિ કષાયોનો તીવ્ર ઉદય થતાં વિવેકરૂપી રત્ન ગુમાવી બેસે છે અને કષાયોની માત્રાને પરવશ થયો છતો ચીકણાં કર્મો બાંધે છે. તેથી જ વિવેકી પુરુષોએ નિરંતર સાવધાની રાખવા પૂર્વક અપ્રમત્ત બનીને રાગ-દ્વેષ આદિ સર્વ દોષોનો નાશ કરવા માટે પ્રબળ પુરુષાર્થ કરવો અતિશય આવશ્યક છે.
જો પ્રબળ પુરુષાર્થ કરાય તો વિવેકદશા રૂપી ચિંતામણિ રત્ન ચોરાઈ ન જાય, પરંતુ તેનું સંરક્ષણ થાય. વિવેકદશા જો જાગૃત હોય તો સમ્યગ્દર્શન રૂપી બોધિગુણ પ્રાપ્ત થાય અને સર્વોત્તમ પુરુષ એવા તીર્થંકર પરમાત્મા પ્રત્યે અને તેમના માર્ગે ચાલનારા સાધુ-સંતો પ્રત્યે પ્રકૃષ્ટ-પ્રેમપૂર્વક અહોભાવ પ્રગટ થાય અને આ જીવનો તે માર્ગ તરફ વળાંક શરૂ થાય. તે વળાંક દ્વારા જ પરમાત્મા પ્રત્યે અને સદ્ગુરુ પ્રત્યે ભક્તિભાવ અને બહુમાનનો ભાવ વધે. તેનાથી કર્મોનો ક્ષય કરીને આ જીવ સમાધિસુખની પ્રાપ્તિ કરે છે અને નિર્વાણપદનો ભોક્તા બને છે. I/૧૨/ दुर्विजेया दुरुच्छेदा, एते ऽभ्यन्तरवैरिणः । उत्तिष्ठमाना एवातो, रक्षणीयाः प्रयत्नतः ॥१३॥