________________
૧૮૦ તૃતીય પ્રસ્તાવ
યોગસાર રાગબુદ્ધિ અને પ્રતિકૂળ પદાર્થોમાં દ્વેષબુદ્ધિ ઉત્પન્ન કરે છે. તેમાં પણ ચક્ષુરિન્દ્રિય રૂપગુણમાં, રસનેન્દ્રિય રસગુણમાં, ધ્રાણેન્દ્રિય ગંધગુણમાં, સ્પર્શનેન્દ્રિય સ્પર્શગુણમાં અને શ્રોત્રેન્દ્રિય શબ્દગુણમાં અતિશય આસક્ત બની છતી રાગ-દ્વેષને ઉત્પન્ન કરે છે અને તેનાથી ક્રોધાદિ ચારે કષાયો આવે છે અને જીવનું ચારિત્ર બગાડે છે. સર્વે પણ જીવોને આ પાંચ ઇન્દ્રિયો, પાંચ વિષયો અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિમાં થતા કષાયો આ જીવને દુર્ગતિમાં લઈ જાય છે.
શબ્દાદિ પાંચ વિષયો ઝાંઝવાના જળ સમાન છે. જેમ ઝાંઝવાનું જળ “ત્યાં પાણી છે” એવી બુદ્ધિ કરાવીને આ જીવને દોડાવે છે, અને આ જીવ પાણી સમજીને જેમ જેમ દોડે છે, તેમ તેમ તે પાણી દૂર દૂર જ દેખાય છે. આખરે આ જીવ થાકે છે અને દુઃખી દુઃખી થાય છે, પણ વાસ્તવિક પાણી ન હોવાથી આ જીવ ત્યાં પાણી મેળવી શકતો નથી, તેમ પાંચ ઇન્દ્રિયોનાં વિષયસુખો આવાં જ છે. તેમાં સુખનો આભાસ માત્રા કરાવી આ જીવને મોહાંધ કરે છે.
આ પાંચે વિષયો જેમ જેમ આ જીવને મળે છે, તેમ તેમ તે તે વિષયોનો અનુભવ કરતાં તૃપ્તિ થતી નથી. પણ વધારે ને વધારે વિષયોની ભૂખ જ જાગે છે. વિષયોનો અનુભવ કરવા છતાં તેમાં સદા અતૃપ્તિ જ વધે છે અને અતૃપ્તિની આગ જળે છે અને પ્રાપ્ત વિષયોને ભોગવવાથી તથા અપ્રાપ્ત વિષયોની ભૂખરૂપી આગથી સદાકાળ આ જીવો આ લોકમાં અનેક પ્રકારનાં દુ:ખો-શારીરિક રોગો-પીડા જ પામે છે અને પરલોકમાં પણ બ્રહ્મદત્ત ચક્રવર્તીની જેમ નરકગામી થઇને ભયંકર દુ:ખો જ પામે છે. માટે આ વિષયોનો વિશ્વાસ કરવા જેવો નથી. /// नोपेन्द्रस्य न चेन्द्रस्य, तत्सुखं नैव चक्रिणः । साम्यामृतविनिर्मग्नो, योगी प्राप्नोति यत्सुखम् ॥७॥