________________
૧૭૪ તૃતીય પ્રસ્તાવ
યોગસાર सूक्ष्माः सूक्ष्मतरा भावाः, भिद्यन्ते सूक्ष्मबुद्धिभिः । एतद् द्वयं तु दुर्भेद्यं, तेषामपि हि का गतिः ॥४॥
ગાથાર્થ - અતિશય સૂક્ષ્મ બુદ્ધિવાળા મનુષ્યો વડે અતિશય સૂક્ષ્મભાવો અને સૂક્ષ્મતરભાવો પણ જાણી શકાય છે. તેવા બુદ્ધિશાળી જીવોને પણ આ વિષય અને કષાયો ભયંકર છે. આવું જ્ઞાન દુ:ખે થાય છે. તેથી તેવા જીવોની (વિષય-કષાયોની ભયંકરતાને ન જાણનારા જીવોની) ખરેખર શું ગતિ થશે? (મહાભયંકર દુર્ગતિમાં જશે.) I/૪ll
વિવેચન - જે જે પદાર્થો અતિશય સૂક્ષ્મ-સૂક્ષ્મતર હોય કે જેને જાણવા સામાન્ય માણસ સમર્થ ન હોય તેવા સૂક્ષ્મ અને સૂક્ષ્મતર ભાવોને જે મહાત્માઓ જાણી શકે છે, એવી સૂક્ષ્મતર બુદ્ધિ જેની છે તેવા સૂક્ષ્મ બુદ્ધિવાળા મનુષ્યો પણ “વિષય-કષાયોનો સંગ અતિશય દુ:ખદાયી છે” આમ જાણવા છતાં વિષયો સેવે છે અને કષાયોને કરે છે અને કષાયોને આધીન બની જાય છે.
તથા જે સમ્યગ્દષ્ટિ જીવો છે તે જીવો “સર્વ સંગનો ત્યાગ સુખદાયી છે” આમ જાણવા છતાં પણ વિષયોથી વિમુખ બનતા નથી અને કષાયોને ત્યજતા નથી. વિષય-કષાયોમાં જ રચ્યા પચ્યા રહે છે. ચોથા ગુણસ્થાનકવાળા જીવો સમ્યગ્દષ્ટિ હોવા છતાં વિષય-કષાયોને આધીન થયા છતા મહાયુદ્ધો કરે છે. રાજ્યાદિની પ્રાપ્તિ માટે ઘણો સંહાર અને માયા-કપટ આદિ કષાયો પણ કરે છે.
આવા જીવો મોહની વાસનાના લીધે વિષય-કષાયો ત્યજી શકતા નથી, પરંતુ સમ્યગ્દષ્ટિ હોવાથી સૂક્ષ્મતર યથાર્થ જ્ઞાન હોવાના કારણે તેઓનું હૃદય વૈરાગ્યવાસિત હોય છે. તેથી તેવા સમ્યગ્દષ્ટિ આત્માઓને વિષય-કષાયોની ભયંકરતા જણાઈ હોવાથી તેમાં આસક્તિ થતી નથી.