________________
યોગસાર
તૃતીય પ્રસ્તાવ
૧૭૩
કરવામાં ઘણાં દુ:ખો સહન કરવાં પડે છે, ત્યારે જ ધનાદિની પ્રાપ્તિ દ્વારા તે સુખો મેળવાય છે અને તે પણ અલ્પકાળ માત્ર ટકનારાં છે. તેના વિયોગમાં પણ તે સુખો ઘણું જ દુઃખ આપનારાં બને છે, માટે વિષયો અને કષાયોનું સેવન માત્ર દુઃખરૂપ જ છે.
આમ જાણતા એવા પણ મનુષ્યો મોહાધીન થયા છતા વિષયોના સુખને સેવે છે. તેના માટે ધન ઉપાર્જન અને તેના દ્વારા વિષયોનો સંગ કરે છે. આ જીવ મોહને આધીન થયો છતો સર્વ સંગનો ત્યાગ સુખદાયી છે. આમ જાણવા છતાં પણ તે સર્વ સંગનો ત્યાગ કરતો નથી. ત્યાગની સન્મુખ પણ જતો નથી. વિષયોની પ્રાપ્તિ કરવામાં જ રચ્યો-પચ્યો રહે છે. ત્યાગની તરફ જરા પણ પગ ભરતો નથી. એનું કારણ ન વૈધ્યત=સમજી શકાતું નથી.
સામે ઝેરી સર્પ છે. એમ જાણવા છતાં તેની સામે જ જાય તે કેમ બુદ્ધિમાં બેસે ? તેવું જ અહીં સમજવું. મોહાંધતાનું જ આ ફળ છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે ત્યાગનું ફળ સુખ છે અને ભોગનું ફળ દુઃખ છે. આમ આ જીવ જાણે છે, છતાં ભોગોનો ત્યાગ કરીને ત્યાગનો માર્ગ સ્વીકારવા આ જીવ તૈયાર થતો નથી.
સમતાગુણની સાધના અને સિદ્ધિ કરવા જીવો ઇચ્છા ધરાવતા નથી. ભોગોના ત્યાગથી સાચું સુખ પ્રાપ્ત થાય છે. આમ જાણવા છતાં પણ ભોગોનો ત્યાગ પ્રાપ્ત કરવો ઘણો જ દુષ્કર છે. કેટલાક જીવો બહારથી ભોગોનો ત્યાગ કરવાનું ઇચ્છવા છતાં અંતરમાં ભોગોની તૃષ્ણા હોવાથી સાચા ત્યાગી બની શકતા નથી.
વિષયો અને કષાયોનું સ્વરૂપ જ દુઃખમય છે. આમ જાણીને
સમજીને તેનો ત્યાગ કરનારા વિરલ મહાત્માઓ જ હોય છે. જેઓ વિષય અને કષાયોની વાસનાથી દૂર રહે છે. તેઓ જ સમતા અને સમાધિનું પારમાર્થિક સુખ પામે છે. IIII