________________
૧૫૮ દ્વિતીય પ્રસ્તાવ
યોગસાર ક્રોધ-માન-માયા અને લોભ આદિ ૧૮ પ્રકારનાં પાપસ્થાનકો છે.
જ્યારે આ જીવ અઢાર પ્રકારનાં પાપસ્થાનકોમાંનું કોઈ પણ પાપસ્થાનક સેવે ત્યારે પાપ લાગે છે. આમ સેવનાર જીવ પોતે પણ સમજે છે અને અન્ય લોકો પણ જાણે જ છે કે આમ પાપ કરવામાં પાપ લાગે, આવાં આવાં પાપાનકો સેવવામાં પાપ લાગે. આ વાત સર્વ દર્શનકારોને પણ માન્ય છે. બધાં જ આસ્તિક દર્શનો પણ આ વાત માને છે.
પરંતુ જે લોકો ધર્મબુદ્ધિ રાખીને પાપ કરે છે. જેમ કે ઈદનો તહેવાર મનાવવા બકરા-બોકડાનો હોમ કરીને તેનું માંસ અપાય ઇત્યાદિ ધર્મબુદ્ધિ રાખીને બીજા જીવની હિંસા કરાય અથવા યજ્ઞકાર્ય કરવામાં પશુનો હોમ કરાય અને મજેથી તે પશુના માંસનો આહાર કરાય, પંચાગ્નિ તપ કરવામાં આવે, તેવાં કાર્યો કરીને ધર્મ થાય છે. આમ માનવું તે ખરેખર કેવળ મૂર્ખતા-અજ્ઞાનતા જ છે.
ધર્મની બુદ્ધિ માત્ર રાખીને મનમાની હિંસાદિ પ્રવૃત્તિ કરીએ, તેટલા માત્રથી તે ધર્મ થઈ જતો નથી. પરંતુ ધર્મ તેને જ કહેવાય કે જેમાં શાસ્ત્રને અનુસાર પ્રવૃત્તિ હોય અને જે પ્રવૃત્તિ સ્વ-પર એમ બંનેનો ઉપકાર કરનારી હોય. મનમાની પ્રવૃત્તિ ન હોય તે જ ધર્મ કહી શકાય. શાસ્ત્રોમાં કહ્યું છે કે - श्रूयतां धर्मसर्वस्वं, श्रुत्वा चैवावधार्यताम् । परोपकारः पुण्याय, पापाय परपीडनम् ॥
ધર્મનું રહસ્ય-હાર્દ ગુરુ પાસે સાંભળો અને સાંભળીને તેના સ્વરૂપનું અવધારણ કરો, ધર્મનો સાર એ છે કે પરનો ઉપકાર કરવો તે પુણ્ય છે અને પરને પીડા કરવી તે પાપ જ છે.