________________
૧૫૨
દ્વિતીય પ્રસ્તાવ
યોગસાર
ગાથાર્થ - યોગદશાની સાધનાના ઇચ્છુક જીવોએ ઉન્માર્ગે જ ચાલનારા અને અતિશય ચંચળ એવા આ ચિત્તને જીતવા માટે (સ્થિર કરવા માટે) હંમેશાં ઉપયોગવાળા (પ્રયત્નશીલ) બનવું. // ૨૯ી.
વિવેચન - શાસ્ત્રોમાં મનને વાનરની ઉપમા આપેલી છે. જેમ વાનર ઘડીક માત્રમાં એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર જાય છે અને કુદાકુદ કરે છે તેમ આ મન પણ એક વિષય ઉપરથી પલમાત્રમાં બીજા વિષય ઉપર જાય છે. કોઈ વિષયમાં વધારે સ્થિર રહેતું નથી. મનનો આવો સ્વભાવ જ છે. તેથી જ મનને ચંચળ-અસ્થિર અને બેકાબૂ કહેવામાં આવે છે.
મન સતત ગતિશીલ છે. થોડીક જ વારમાં આકાશમાં ઉપર જાય છે, તો ક્ષણમાત્રમાં પાતાળમાં પહોંચી જાય છે. ક્ષમા આદિ ગુણોના વિચારો કરતું કરતું આ મન પળ માત્રમાં ક્રોધના વિચારોમાં આવી જાય છે. ત્યાગ અને તપના વિચારોમાંથી રાગ અને ભોગના વિચારોમાં જોડાઈ જાય છે અને ક્યારેક રાગ અને ભોગની ભાવનાઓમાંથી ત્યાગ અને તપના વિચારોમાં પણ આવી જાય છે.
આ મન એટલું બધું ચંચળ છે કે તે મન ત્યાગીઓને તપસ્વીઓને, યોગીઓને અને મુમુક્ષુ જેવા મહાત્માઓને પણ અવળા માર્ગે ચડાવી દે છે. તેથી માંકડા અને સાપ જેવું કુટિલ ચાલનારું આ મન છે. તે મનનો જરા પણ ભરોસો-વિશ્વાસ કરવો નહીં. કર્મબંધ અને કર્મક્ષયનું પ્રધાનતમ કારણ જો કોઈ હોય તો મુખ્યત્વે મન જ છે. “ક્લેશયુક્ત મન એ જ સંસાર છે અને ક્લેશરહિત મન એ જ મોક્ષ છે” તેથી યોગી મહાત્માઓએ મનને જીતવા માટે સતત પ્રયત્નશીલ જ રહેવું જોઈએ.