________________
યોગસાર
પ્રથમ પ્રસ્તાવ
છે. ત્યારબાદ સામે રહેલા પરમાત્માના સ્વરૂપનું પોતાનામાં પ્રતિબિંબ પડે છે એટલે આ પોતાનો આત્મા જ પરમાત્મ સ્વરૂપ છે એમ જણાય છે તે તન્મયતા કહેવાય છે. આ રીતે આ આત્મા જ પરમાત્માનું ધ્યાન કરતો કરતો પરમાત્મા બને છે. જેમ ઇયળ ભ્રમરીનું ધ્યાન કરતી કરતી ભ્રમરી સ્વરૂપ બને છે તેમ અહીં પણ જાણવું.
૧૫
આ સમાપત્તિયોગ (તે સ્વરૂપને પ્રાપ્ત કરવા)ના ત્રણ ઉપાયો છે. પ્રથમ નિર્મળતા, બીજી સ્થિરતા અને ત્રીજી તન્મયતા.
(૧) પ્રથમ નિર્મળતા - કાચને લૂછીને સૌ પ્રથમ ચોખ્ખો કરવો પડે છે તો જ તેમાં સામેની વસ્તુનું પ્રતિબિંબ પડે છે. તેમ આ આત્મામાં રહેલી મોહની વૃત્તિઓનો વિનાશ કરવા દ્વારા પ્રથમ નિર્મળતા પ્રાપ્ત કરવી પડે છે. તે માટે શ્રાવકનાં બાર વ્રતોનું ધારણ કરવું. સાધુનાં પાંચ મહાવ્રતોનું ધારણ કરવું. શુભ-શુભતર અનુષ્ઠાનોનું આચરવું. તેનું આલંબન લેવું. અશુભ પ્રવૃત્તિ અને અશુભ ગોષ્ઠિનો ત્યાગ કરીને શુભ પ્રવૃત્તિ (આત્મકલ્યાણકારક કાર્યોમાં જોડાવું) અને ઉત્તમ સજ્જન મિત્રોની જ સોબત વિગેરે ઉપાયો અપનાવવાના હોય છે. વીતરાગ પરમાત્મા પ્રત્યેની પ્રીતિ અને ભક્તિયોગમાં જોડાવું. તેમના કહેલા સિદ્ધાન્તોનું આદર-બહુમાનપૂર્વક શ્રવણ, ચિંતન અને મનન કરવું. પરમાત્મા પ્રત્યે અહોભાવ-પૂજ્યભાવ નમસ્કાર-સ્તુતિવંદના આદિ કરવા, તેમાં જ વધારે રચ્યાપચ્યા રહેવું. તેમના માર્ગે ચાલનારા અને આપણને તે જ ભગવાનનો માર્ગ બતાવનારા આચાર્યાદિ સાધુ-સાધ્વીજી આદિ મહાત્માઓની યથોચિત સેવાભક્તિ કરવી, ઔષધ-પુસ્તકાદિનું દાન કરવું, તેમના સંપર્કથી સહજ વૈરાગ્યભાવનાથી વાસિત ચિત્ત થવું. મૈત્રી આદિ ચારે ભાવનાઓનું ચિંતન-મનન તથા આત્માનો ઉપકાર કરે તેવાં શાસ્ત્રો લખવાં