________________
યોગસાર દ્વિતીય પ્રસ્તાવ
૧૪૯ મળવો ઘણો દુર્લભ છે અને તે મળ્યા પછી વીતરાગ પ્રભુ મળવા અને તેમનું શાસન મળવું તેથી પણ અતિશય દુષ્કર છે.
અતિશય દુર્લભ ગણાતું પ્રભુનું દર્શન અને મીલન પણ ભક્તિ દ્વારા અંતરાય કર્મો દૂર થતાં ભક્તને પ્રભુદર્શન સુલભ બની શકે છે. શ્રી અરિહંત પરમાત્મામાં જે ગુણો પ્રગટ થયા છે, તેની સ્તુતિસ્તવના-વંદના કરવાથી આ આત્મા ગુણીની સાથે તન્મય બને છે અને તેનાથી કર્મોનો ક્ષય કરીને કેવલજ્ઞાની બને છે.
સૌથી અધિક ગુણોવાળા શ્રી વીતરાગ પરમાત્માના ગુણોનું બહુમાન કરવાથી ગુણોનાં આવારક કર્મોનો ક્ષય થાય છે. મિથ્યાત્વ મોહનીયનો ક્ષય થતાં સાધકને બોધિબીજની પ્રાપ્તિ થાય છે અને ચારિત્રમોહનીય કર્મનો ક્ષય થતાં જ સાધકને ઉત્તમ સમાધિની પ્રાપ્તિ થાય છે. આ રીતે પરમાત્માની સ્તવના-ગુણગાન અને ભાવથી પૂજા કરનારો આત્મા પણ કર્મો ખપાવીને તેવી જ પદવી પ્રાપ્ત કરે છે.
પરમાત્મા પોતે વીતરાગ છે. માટે તેમના ગુણગાન કે સ્તવના કરવાથી ભક્તનો આત્મા પણ કર્મોનો હ્રાસ કરીને વીતરાગ બને છે. માટે જ પરમાત્માના ગુણો ગાવા, સ્તવના કરવી, કીર્તન કરવું ઇત્યાદિ રીતે ભક્તિ કરતો અને પ્રભુની આજ્ઞાનું પાલન કરીને મોહનીયકર્મનો નાશ કરતો તે આત્મા પોતે જ વીતરાગ બને છે. મોહનું બળ ઘટતાં તે આત્માનું ચિત્ત નિર્મળ થાય છે.
સર્વે પણ સાધકે પ્રભુની ભક્તિને પ્રધાન બનાવીને પોતાની જેવી શક્તિ હોય તે પ્રમાણે ભક્તિભાવપૂર્વક શાસ્ત્રોમાં કહેલાં અનુષ્ઠાનોમાં તેને સેવવાનો આદરપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ. પરમાત્માનું શાસન પામ્યા પછી બરાબર તેઓના માર્ગે ચલાય, તેનો ખાસ ઉપયોગ રાખવો જોઈએ.