________________
દ્વિતીય પ્રસ્તાવ
યોગસાર
શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે જીવે આરાધનામાં પ્રયત્ન કરવો જોઈએ. પણ સાધનો મેલાં થઈ જશે એવો મોહ રાખીને સાધનોનો ઉપયોગ ન કરવો અથવા ઉપયોગ ઉપરછલ્લો જ કરવો. આ માર્ગ નથી. ધર્મના રહસ્યને ન સમજેલા લોકો બાહ્ય વસ્તુઓને જ ભભકાદાર રાખવામાં ધર્મ માની લે છે. પણ તેના ઉપયોગ તરફ ધ્યાન આપતા નથી, માટે સાધનો સારાં રાખવાં એ જ તત્ત્વ છે. આવું ન સમજતા સાધ્યની સિદ્ધિ થાય, તેવાં સાધન રાખવાં અને સાધ્યની સિદ્ધિ થાય તે રીતે સાધનોનો ઉપયોગ કરવો તે જ ધર્મ છે. આ વાત બહુ જ ચોકસાઈથી સમજી લેવી જોઈએ.
૧૪૦
સાધનને જ તત્ત્વ માની લેનારા જીવો પરસ્પર ઘણીવાર સાધનો જેનાં સારાં-ઉચ્ચ કોટિનાં હોય છે, તેને જ ધર્મ માની લે છે. તેને ગ્રંથકારશ્રી સમજાવતાં કહે છે કે કેટલાક ગચ્છોમાં મુખ આગળ રૂમાલ રાખવાનો જ વધારે આગ્રહ રાખે. કેટલાક ગચ્છોમાં મુહપત્તિનો જ વધારે આગ્રહ રાખવામાં આવે છે. કેટલાક ગચ્છોમાં પૂનમની જ પખ્ખી થવી જોઈએ, એવો આગ્રહ રાખે છે અને કેટલાક ગચ્છોમાં ચૌદશની જ પખ્ખી થવી જોઈએ, આવો આગ્રહ રાખવામાં આવે છે. આ ચાર મતભેદોનો તો બ્લોકમાં ઉલ્લેખ માત્ર કર્યો છે. પરંતુ આવા આવા ઘણા ઘણા નાના-મોટા આગ્રહો છે. તે સાચું તત્ત્વ નથી, પરંતુ ચિત્તને રાગ-દ્વેષ-મોહ અને કાષાયિક પરિણામોથી કેમ દૂર રાખવું, તે જ ધર્મ છે. માટે આવી બાબતોમાં ઘણો કદાગ્રહ ન રાખવો. જે જે ગચ્છમાં જે જે સામાચારી ચાલતી હોય તેને અનુસરવું પણ તેના કદાગ્રહી ન બનવું અને રાગાદિ કષાયોને સ્થાન ન આપવું એ જ મર્મ છે. ૨૪
दृष्ट्वा श्रीगौतमं बुद्धेस्त्रिपञ्चशततापसैः । भरतप्रमुखैर्वापि क्व कृतो बाह्यकुग्रहः ॥२५॥