________________
૧૩૬
દ્વિતીય પ્રસ્તાવ
યોગસાર છે, ભૌતિક સુખ મળે છે, પણ આત્માના ગુણોનો વિકાસ થતો નથી. જેથી મોક્ષપ્રાપ્તિ તો ઘણી દૂર જ ચાલી જાય છે.
બ્રહ્મચર્યાદિ પાળવાની પણ સમતાભાવ વિના સાર્થકતા નથી. મિથ્યાષ્ટિ સાધુ-સંતો પણ બ્રહ્મચર્ય પાળે છે. પણ તે આત્મકલ્યાણ કરનારું બનતું નથી તથા શાસ્ત્રોનું પઠન-પાઠન પણ વાદ-વિવાદ માટે જ થાય છે અને અન્યનો પરાભવ કરવા પોતાની નામના વધારવાના જ હેતુભૂત આ જીવ ઘણું ઘણું કરે છે, પણ તે કર્મનિર્જરા કરાવવા દ્વારા આત્મહિત કરનારું બનતું નથી.
વક્તા પંડિત બનવા માટે અથવા પોતાની પંડિતાઈની છાપ ઉભી કરવા માટે ઘણું બોલતા હોય છે. પરંતુ આવાં કાર્યો કરવાથી અને સમતાભાવ ન રાખવાથી અહંકારાદિ આવવાથી આ આત્માનું અધ:પતન થાય છે. પણ તેવાં કાર્યોથી સમતાભાવ વિના કર્મોની નિર્જરા થતી નથી.
કોઈ કોઈ આત્મા પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અથવા નામના મેળવવા માટે સર્વ પ્રકારની સંપત્તિનું દાન કરે છે, પરંતુ સમતાભાવ વિના (મોહના વિજય વિના) આત્મગુણોનો આવિર્ભાવ થવા રૂપ સાચો લાભ થતો નથી.
ઘણી વખત મોહની પુષ્ટિ-વૃદ્ધિ માટે પણ જીવન સમર્પિત કરવામાં આવે છે. જેમ કે પતિ-પત્ની પરસ્પર પ્રેમની વૃદ્ધિ માટે અનેક પ્રકારનું બલિદાન આપે છે. દાસ-દાસી શેઠને વફાદારપણે વર્તે છે. સુભટો પોતાના સ્વામીને વફાદારપણે વર્તે છે. સ્વામી-રાજા પણ મોટા રાજાને વફાદાર વર્તે છે, પરંતુ આ સર્વે પણ વફાદારીપૂર્વકનું વર્તન-જીવન સમર્પણ કેવળ અર્થ અને કામની એટલે કે મોહની વૃદ્ધિ માટે જ હોય છે. સ્વાર્થ સંબંધ હોવાથી આત્મહિતના કાર્યમાં તે સઘળું ય નિરર્થક છે.