________________
દ્વિતીય પ્રસ્તાવ
યોગસાર
વિવેચન – જેમ ભણવામાં, વેપારમાં કે બીજી કોઈ પણ લેવડદેવડ વિગેરે ક્રિયામાં જો મન પરોવાયેલું ન હોય અને મન બીજે જ ભટકતું હોય તો ફળપ્રાપ્તિ થતી નથી. ભણવામાં મન ન હોય તો ગુરુજી સમજાવે તે સમજાતું નથી, યાદ રહેતું નથી. વેપારમાં મન ન હોય તો ધનલાભ થતો નથી. લેવડ-દેવડમાં જો મન ન હોય તો આર્થિક નુકસાન થાય છે. તેવી જ રીતે જો રાગાદિ દોષોથી ચિત્ત કલુષિત હોય અને જો મન મોહને જિતનારું ન હોય તો દેવોની ઉપાસનાથી પણ કંઈ આત્મલાભ થતો નથી. જો રાગાદિ દોષોને નબળા પાડવામાં આવે અને કાલાન્તરે પણ નિર્મૂળ કરાય, એવા લક્ષ્યપૂર્વક પરમાત્માની ઉપાસના કરવામાં આવે તો જ આ જીવનું કલ્યાણ થાય છે.
૧૩૦
આ આત્માનો પરમ પુણ્યોદય થયો છે, ત્યારે જ ત્રણ ભુવનના નાયક એવા શ્રી પરમાત્મા વીતરાગદેવ જેવા પરમતારક પ્રભુ મળી ગયા છે. છતાં જમાલી અને ગોશાલાની જેમ જે વ્યક્તિ પોતાના ચિત્તને રાગ-દ્વેષ અને મોદિ દોષોથી કલુષિત રાખે છે અને તેના જ કારણે પ્રભુજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. પ્રભુવચનોનો અનાદર કરે છે. પોતાની જ બુદ્ધિને આગળ ધરે છે. પ્રભુજીનાં વચનોની શ્રદ્ધા ન રાખે. તેમાં વિશ્વાસ ન કરે, સંસારી લોકોમાં શાસ્ત્રોનાં વચનોના પોતાના મન માન્યા અર્થ કરીને કહે. પોતાના હૃદયમાં બેઠેલી વાતને જ વધારે પુષ્ટ કરે, પણ નયસાપેક્ષ વિચાર કે વાણી ફરમાવે નહીં. લોકોમાં નવા નવા અર્થ કરીને ભ્રમ ઉભા કરી
લોકોને પ્રભુજીના ઉપદેશથી વિમુખ કરે અને મિથ્યાભાવની વૃદ્ધિપુષ્ટિ કરે, તેવા જીવો ગોશાળા અને જમાલીની જેમ પરમાત્મા મળવા છતાં આત્મશુદ્ધિથી વંચિત રહીને આ સંસારસાગરમાં ભટકતા જ રહે છે. પોતાના પરિણામથી જેઓ મિથ્યાત્વી રહે છે, તેઓને કોઈ ભગવાન પણ બચાવી શકતા નથી. ।।૨૦।