________________
યોગસાર દ્વિતીય પ્રસ્તાવ
૧૨૯ અથવા બારમું ગુણસ્થાનક, આ રીતે કેવળ એકલા મોહનીયકર્મનો જ ક્ષય કરવાથી ગુણસ્થાનકો ચઢાય છે. માસતુષ મુનિ જ્ઞાનાવરણીયકર્મના તીવ્ર ઉદયવાળા હતા અને કુરગડુ ઋષિ અંતરાયકર્મના તીવ્ર ઉદયવાળા હતા, છતાં મોહનીયને જીત્યુ એટલે બારમાં ગુણઠાણે ચડી શક્યા.
મોહનીય કર્મ ગયા પછી આ જીવ વીતરાગાવસ્થાવાળો બન્યો છતો શેષ ત્રણ ઘાતિકર્મો (ભલે ગમે તેટલાં તીવ્ર હોય) તો પણ તેનો માત્ર અંતર્મુહૂર્તકાળમાં જ અવશ્ય ક્ષય કરીને નિયમા કેવલજ્ઞાન પામે છે અને કેવલજ્ઞાન પામેલો જીવ તે જ ભવમાં શેષ અઘાતિ ચારે કર્મો વેદીને અથવા સંક્રમ દ્વારા પણ ક્ષય કરીને અંતે અવશ્ય અઘાતિ ચારે કર્મોનો સર્વથા ક્ષય કરીને નિર્વાણપદ પામે જ છે.
સમતાગુણનો આ અસાધારણ મહિમા છે, તે આપણને એવી પ્રેરણા આપે છે કે આ માનવ જીવનમાં શીધ્રાતિશીધ્ર સમતાયોગ સિદ્ધ કરવા જેવો છે. તેની પ્રાપ્તિ માટે ઉપાય સ્વરૂપે પ્રભુજીની ભક્તિ, જ્ઞાન-દર્શન અને ચારિત્રાદિ ગુણોની સાધના-ઉપાસના, તપજપ-ધ્યાનાદિ અનુષ્ઠાનોની આરાધના કરવી. આ સઘળા તેના ઉપાયો છે. સમતાભાવ વિના કરાયેલાં અનુષ્ઠાનો મોક્ષસાધન બનતાં નથી, તે અપેક્ષાએ તે અનુષ્ઠાનો નિષ્ફળ કહેવાય છે. માટે સમતાયોગની પ્રાપ્તિનાં કારણ બને તે રીતે તેવાં તેવાં અનુષ્ઠાનો આચરવાં. /૧૯ll किं बुद्धेन किमीशेन, किं धात्रा किमु विष्णुना । किं जिनेन्द्रेण रागाद्यैर्यदि स्वं कलुषं मनः ॥२०॥
ગાથાર્થ - જો આપણું મન રાગાદિ દોષોથી કલુષિત છે, તો બુદ્ધ ભગવાન, મહાદેવ, વિધાતા દેવ, વિષ્ણુ ભગવાન કે જિનેશ્વર પ્રભુ મળી જાય તો પણ તેઓ વડે શું થવાનું? અર્થાત્ કંઈ જ લાભ થવાનો નથી. પોતાના મનની શુદ્ધિ વિના આત્મપ્રકર્ષનો કોઈ લાભ થતો નથી. // ૨૦ણી.