________________
યોગસાર દ્વિતીય પ્રસ્તાવ
૧૧૯ બીજા જીવો પાપ કરે, એકાન્તવાદ માને, ઉત્સુત્ર પ્રરૂપણા કરે તો તે બીજા જીવો નરકમાં જાય. આવું તે જીવને સમજાય છે, પરંતુ આ જ વાત પોતે પોતાના ઉપર લગાડતો નથી. બલ્ક પોતે તો જોરશોરથી પરનિંદા અને પરદોષોની ગવેષણા કરી કરીને દુર્ગતિમાં જ જશે. આ સ્વરૂપ તે જીવ દેખતો નથી. આ મોટું આશ્ચર્ય છે.
જે સાચો સાધક હોય તે અન્યના દોષો જોવાને બદલે પોતાના દોષો તો સવિશેષ પ્રમાણમાં દેખે. કારણ કે પોતાને પોતાના દોષો કાઢવા છે, દૂર કરવા છે. એટલે ઉત્તમ આત્મા પોતાના દોષો ખાસ દેખતો છતો પોતાના દોષો દૂર કરીને ભવની ભ્રમણામાંથી મુક્ત બનવા સતત પ્રયત્નશીલ રહે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે –
कार्यं च किं ते परदोषदृष्टया । कार्यं च किं ते परचिंतया च ॥ वृथा कथं खिद्यसे बालबुद्धे ? ।
कुरु स्वकार्यं त्यज सर्वमन्यत् ॥ અર્થ - હે જીવ ! કંઈક સમજ. પારકાના દોષો જોવા વડે તારે શું પ્રયોજન છે ? અને પારકાની ચિંતા કરવા વડે તારે શું કામ છે? હે બાળ બુદ્ધિવાળા ચેતન ! પરદોષ દર્શન અને પરચિંતા કરીને તું ફોગટ ખેદ શું કામ કરે છે ? બીજું બધું છોડી દઈને તું તારું જ આત્મકલ્યાણ કરી લે.
મહાપુરુષો કેવો ઉપદેશ આપે છે કે હે જીવ ! તું તારી પોતાની જ આભગવેષણા કર ને ! પારકી પંચાત કરીને કેવળ રાગ-દ્વેષ કરવા દ્વારા સંસારની રખડપટ્ટી જ વધશે. આમ કહીને શાસ્ત્ર કાર ભગવંતો આ જીવને સત્ય, હિતકારી તત્ત્વ સમજાવે છે. {/૧રો