________________
૧૧૪ દ્વિતીય પ્રસ્તાવ
યોગસાર મોહની તીવ્રતા હોય ત્યારે મૈત્રી-પ્રમોદ માધ્યસ્થ અને કરૂણા ભાવના આવતી નથી. પરંતુ તેની જગ્યાએ દ્રષ-માત્સર્ય વૈર અને કઠોરતા આદિ દોષો જ ઉભા થાય છે.
સર્વ જીવો ઉપર મૈત્રી ભાવના થવી જોઈએ, પરંતુ મોહની તીવ્રતા હોય તો બીજાની નાની-મોટી ભૂલો જોઈને આ જીવને સર્વ જીવો ઉપર દ્વેષભાવ જ આવે છે. એવી જ રીતે અધિક ગુણીને દેખીને પ્રમોદભાવ આવવો જોઈએ, પરંતુ ત્યાં માત્સર્ય (ઇર્ષાભાવ) જ આવે છે. પાપી જીવોને જોઈને માધ્યસ્થભાવ આવવો જોઈએ, પણ ત્યાં તેનું પાપિષ્ટ કાર્ય જોઈને વૈરભાવ જ બંધાય છે તથા દુ:ખી જીવોને જોઈને કરૂણાભાવ આવવો જોઈએ. તેને બદલે (કંઈક ને કંઈક ઘસાવાનું જ આવશે, એમ સમજીને) કઠોરતા જ (નિર્દયતા) જ આવે છે. મોહદશાનું આવું નાટક છે.
સત્ય વસ્તુ નિરખવા માટેની વિવેકચક્ષુ મીંચાઈ જાય છે. મોહદશાની તીવ્રતા આવા પ્રકારનું કામ કરે છે, તેથી જ મોહદશાથી આવેલું અંધપણું આવું ભયંકર છે.
મોહદશાની અંધતા એવી વિચિત્ર છે કે તે અંધાપાવાળો મનુષ્ય બીજા જીવોમાં દોષો ન હોય તો પણ દોષો જ દેખે છે અને પોતામાં ઢગલાબંધ દોષો હોય, પરંતુ પોતાનામાં એક પણ દોષ દેખાતો નથી. મોહદશાનો અંધાપો આવો ચિત્ર-વિચિત્ર છે. પોતાના છતા દોષ ન દેખાય અને અન્યમાં અછતા પણ દોષો દેખાય.
આવા પ્રકારના મોહાંધ જીવને પોતાના દોષો ન દેખાતા હોવાથી પોતાના દુષ્કૃત્યો પ્રત્યે, ભૂલો પ્રત્યે, અપરાધો પ્રત્યે ક્યારેય અણગમો કે તિરસ્કાર ઉત્પન્ન થતો નથી. બલ્ક પાપો કરીને પણ પોતાની જાતની આ જીવ ભૂરિ ભૂરિ પ્રશંસા કરતો નજરે ચઢે છે.