________________
૧૧૦ દ્વિતીય પ્રસ્તાવ
યોગસાર જગતમાં નાના-મોટા કોઈ પણ જીવો પાપ ન કરો, કોઈ જીવ દુઃખી ન થાઓ. સર્વે પણ જીવો કર્મોથી મુક્ત બનો અને મોક્ષે જાઓ અને અનંતસુખે સુખી થાઓ, આવા પ્રકારની વિચારણાને મૈત્રીભાવના કહેવાય છે.
જો કે સંસારમાં જીવો અનંતા છે, તો પણ જીવત જાતિની અપેક્ષાએ સર્વે પણ જીવો સમાન હોવાથી એક છે. સંખ્યાની અપેક્ષાએ અનંત છે, તો પણ જાતિની અપેક્ષાએ એક છે. ચૈતન્યગુણ અને ઉપયોગ લક્ષણ સર્વે પણ જીવોમાં ઘટે છે, તેથી નાના-મોટા એમ સર્વે પણ જીવોનું હિત કેમ થાય ? પીડાનો પરિહાર કેમ થાય ? તથા સર્વે પણ જીવોને સુખ-સાતા કેમ ઉપજ ? આવી વિચારણા કરવાથી સાધક આત્માનું હિત-કલ્યાણ થાય છે. આવી વિચારણાને મૈત્રીભાવના કહેવાય છે.
(૨) પ્રમોદભાવના - આપણામાં જે ગુણોની ઓછાશ છે, તે દૂર કરીને જો ગુણોમાં આગળ વધવું જ છે, ગુણોનો વિકાસ કરવો જ છે તો જેમાં જેમાં આપણાથી અધિક ગુણો છે, તેવા ગુણી મહાત્માઓને જોઈને ઘણું જ પ્રસન્ન થવું, રાજી થવું, તેમની સેવાવૈયાવચ્ચ કરવાનો ભાવ રાખવો. ક્ષમા-નમ્રતા-સરળતા અને સંતોષ આદિ દશ પ્રકારના યતિધર્મોને ધારણ કરનારા સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબોને જોઈને તથા સમ્યગ પ્રકારે રત્નત્રયીના આરાધક અને સાધક એવા શ્રાવક-શ્રાવિકાને જોઇને તેમના ગુણોની પ્રશંસા કરવી. તેવા ગુણી ભગવંતોને જોઈને પ્રસન્ન પ્રસન્ન થવું. તેમનું હાર્દિક ભક્તિ-બહુમાન કરવું. તેમની સેવા-ચાકરી કરતાં હૃદય આનંદથી ભરપૂર ભરેલું બની જાય. તેમને જોઈને તન-મન અને નયનમાં હર્ષ ઉભરાય, હર્ષથી પુલકિત થઈ જાય તેવી ભાવના ભાવવી.