________________
૧૦૪ દ્વિતીય પ્રસ્તાવ
યોગસાર જે પોતાનું સાચું હિત કરી શકતો નથી, તે બીજાનું પણ હિત કરી શકતો નથી. કારણ કે જે પોતાને (ઉલટું) સમજાયું હોય છે, તેનો જ તે વધારે ને વધારે આગ્રહી થયો છતો બીજાને પણ તેવું જ સમજાવતો છતો તેનો જ પ્રચાર કરતો છતો સંસારમાં ડૂબે છે.
તથા પોતાની અણસમજ અને અણઆવડતના કારણે અહિતકારી ઉપદેશ આપવા દ્વારા બીજાઓને પણ અવળા માર્ગે જ દોરનાર બને છે અને તેથી પોતે પણ માર્ગથી ભ્રષ્ટ થાય છે અને બીજાને પણ માર્ગથી ભ્રષ્ટ કરે છે.
તેથી જ આવા કદાગ્રહી જીવો લોકોના ધિક્કારને જ પાત્ર બને છે. માટે જ કદાગ્રહ, દુરાગ્રહ, દૃષ્ટિરાગ આ બધા દોષો ભયંકર દોષો છે. શક્ય બને તેટલું આવા દોષોથી દૂર જ રહેવું અને જ્ઞાની મહાત્માઓના શરણમાં જ રહેવું, સ્વચ્છંદી ન બનવું. સદા આત્મહિતનો જ વધારે વિચાર કરવો. //૪l परे हितमतिमैत्री, मुदिता गुणमोदनम् । उपेक्षा दोषमाध्यस्थ्यं, करुणा दुःखमोक्षधीः ॥५॥
ગાથાર્થ - અન્ય જીવોના હિતની વિચારણા કરવી તે મૈત્રી, બીજાના ગુણો જોઈ રાજી રાજી થવું તે પ્રમોદભાવના, અન્યના દોષો પ્રત્યે માધ્યસ્થભાવ રાખવો તે ઉપેક્ષા ભાવના (માધ્યસ્થભાવના) અને બીજા જીવોનાં દુઃખો જોઈને તેઓને દુઃખોમાંથી મૂકાવવાની ઇચ્છા કરવી તે કરૂણાભાવના જાણવી. //પી.
વિવેચન - ચોથી ગાથાના પૂર્વાર્ધમાં લખ્યું છે કે મૈત્રી આદિ ભાવનાઓથી જે અસંસ્કૃત હોય છે, તે સ્વયં પણ ભ્રષ્ટ થાય છે અને બીજાને પણ ભ્રષ્ટ કરે છે. તેથી પ્રશ્ન થાય છે કે મૈત્રી આદિ ભાવનાઓ કેટલી છે ? અને કઈ કઈ છે ? તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર મહર્ષિ કહે છે કે –