________________
યોગસાર
દ્વિતીય પ્રસ્તાવ
૧૦૩
છે તથા બીજાના સત્ય સિદ્ધાંતને પણ સત્ય રીતે સમજવાને બદલે કુયુક્તિઓ દ્વારા ઉડાવવાનો જ વધારે વધારે પ્રયત્ન કરે છે.
આવા પ્રકારની હલકી મનોવૃત્તિના કારણે જ તેઓનું ચિત્ત સદા કલુષિત જ રહે છે. તેના કારણે પોતાના પક્ષનો અતિશય રાગ અને બીજાના પક્ષનો અતિશય દ્વેષ. આમ રાગ-દ્વેષાત્મક મોહના દોષથી કલંકિત ચિત્તવાળા જ આ જીવો સદા હોય છે.
મૈત્રી-પ્રમોદ-કરૂણા અને માધ્યસ્થ આવી ભગવાને ભાખેલી ઉમદા ભાવનાઓનો એક અંશ પણ તેઓના હૃદયમાં સંભવતો નથી. ઉત્તમ ભાવનાઓથી ભાવિત-સંસ્કારિત બન્યા વિના પોતાનું અને પરનું કલ્યાણ કેમ થાય ? એટલે કે સ્વ-પરના કલ્યાણના અર્થી જીવે આવા ભયંકર નુકસાન કરનારા દૃષ્ટિરાગથી દૂર જ રહેવું જોઇએ.
સર્વ ભવોમાં માનવભવ જ કલ્યાણ કરવાનું પ્રધાનતમ સાધન છે. તે જ પ્રધાનતમ સાધન પ્રાપ્ત કરીને શક્ય બની શકે તેટલી ગુણગ્રાહી દષ્ટિ અને તત્ત્વગ્રાહી દષ્ટિ પ્રાપ્ત કરવી જ આવશ્યક છે. તે પ્રાપ્ત કર્યા વિના આ ભવ નિષ્ફળ જ જાય છે. એટલું જ નહીં, પરંતુ દૃષ્ટિરાગ કે ભોગષ્ટિ આદિ દોષો વધતાં આ જીવ મોહાન્ધ બનીને વધારે નીચે જાય છે. માનવ ભવમાંથી જેમ દેવલોકમાં અને મોક્ષે જવાય છે, તેમ સાતે નરકમાં પણ મુખ્યત્વે મનુષ્ય જ જાય છે. સિંહ અને સર્પ જેવા હિંસક પ્રાણી પણ સાત નરક સુધી જતા નથી.
એકેન્દ્રિય-વિકલેન્દ્રિય જીવો મન ન હોવાથી જેમ દેવલોકમાં જતા નથી, તેમ તીવ્ર પાપો પણ કરી શકતા નથી. જેથી નરકમાં પણ જતા નથી. માનવ જ મોક્ષમાં અને સર્વ નારકીમાં જાય છે. માટે આ જીવનું અહીં માનવભવમાં આવ્યા પછી આવું પતન ન થઈ જાય તે માટે ગુણગ્રાહી ર્દષ્ટિ અને સત્ય તત્ત્વગ્રાહી ર્દષ્ટિ અવશ્ય પ્રાપ્ત કરવી જોઈએ.