________________
jainology |
89
આગમસાર
( કડાણ કમ્માણ ન મોક્ક્સ અસ્થિ )(૪) બ્રહ્મદત્તે પોતાની ભાવના અનુસાર ચિત્તમુનિનું સ્વાગત કરતાં ભોગોને ભોગવવાનું આમંત્રણ આપ્યું, ત્યારે ચિત્તમુનિએ ગીતોને વિલાપ તુલ્ય, નાટકોને વિટંબના સમાન, આભૂષણોને ભારરૂપ અને કામભોગોને દુઃખકારી કહી; વિરક્ત મુનિ જીવનને અનુપમ સુખમય બતાવ્યું.
(૫) મૃગના સમૂહમાંથી કોઈ એક મૃગને સિંહ ઉપાડી જાય અને ફાડી નાંખે તો અન્ય કોઈપણ મૃગ તેનું રક્ષણ કરી શકતા નથી. તે પ્રકારે મૃત્યુ આવતાં કોઈપણ સંસારી કુટુંબીજનો સહાયભૂત થતા નથી. તેમજ દુર્ગતિમાં પ્રાપ્ત થતા દુઃખોમાં પણ ભાગ પડાવી શકતા નથી. મૃત્યુ પામતા માનવીના શબના અગ્નિ સંસ્કાર ર્યા બાદ લોકો તેના ધન– સંપત્તિના સ્વામી બની જાય છે.
ઉક્ત માર્મિક, હૃદયસ્પર્શી ઉપદેશ સાંભળ્યા છતાં બ્રહ્મદત્ત રાજા આંશિક પણ ધર્મનું આચરણ કરી શકયો નહીં અને સંપૂર્ણ વિરક્ત ચિત્તમુનિએ પણ તેના ભોગના આમંત્રણનો સ્વીકાર ર્યો નહીં.
ચિત્તમુનિએ સંયમ–તપનું આરાધન કરી મુક્તિ પ્રાપ્ત કરી અને બ્રહ્મદત્ત ચક્રવર્તી ભોગોમાં આસક્ત બની નરકમાં ગયો.
ચૌદમું અધ્યયન : ભૃગુ પુરોહિત...ઇક્ષુકારિય
પ્રાસંગિક કથા :– છ જીવ સંયમ પાલન કરી દેવલોકમાં ઉત્પન્ન થયા હતા. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી ક્રમશઃ રાજા, રાણી, પુરોહિત, પુરોહિત પત્ની બન્યા. બાકીના બે દેવ કાલાંતરે પુરોહિતના પુત્ર રૂપે અવતર્યા. આ અધ્યયનમાં સંયમ સ્વીકાર કરવાની ભાવનાવાળા પુત્રોનો માતા–પિતા સાથેનો તાત્ત્વિક સંવાદ છે. ત્યાર પછી વૈરાગ્ય વાસિત પુરોહિતનો, પત્ની સાથે સંવાદ છે અને અંતમાં રાણીએ રાજાને ઉદ્બોધન ક્યું. ક્રમશઃ છયે આત્મા વૈરાગ્યવાસિત બની સંયમ સ્વીકાર કરી મોક્ષ પ્રાપ્ત કરે છે. આ રીતે તે જ ભવે મુક્તિ ગામી બન્યા.
(૧) સંયમ લેતાં પૂર્વે માતા–પિતાની અનુમતિ મેળવવી આવશ્યક છે. તે જ પ્રકારે પતિ-પત્નીએ પણ પરસ્પર સ્વીકૃતિ લેવી આવશ્યક છે.
(૨) વેદોનું અધ્યયન ત્રાણભૂત થતું નથી. બ્રાહ્મણોને ભોજન કરાવવાથી નરક– ગમનમાંથી મુક્તિ મળી શકતી નથી અને કુપાત્ર સંતાન પણ સદ્ગતિ આપી શકતા નથી.
(૩) કામ ભોગો ક્ષણ માત્રનું સુખ અને બહુકાળનું દુઃખ આપનારા છે. તે દુઃખરૂપ અનર્થોની ખાણ છે. મુક્તિમાં જતાં જીવોને અવરોધરૂપ છે.
(૪) કામભોગોમાં અતૃપ્ત માનવ રાત-દિન ધન પ્રાપ્તિની શોધમાં વ્યસ્ત રહે છે ; અંતે કાળના પંજામાં ફસાઈ જાય છે. તેથી ક્ષણમાત્રનો પણ પ્રમાદ ન કરવો જોઇએ.
(૫) આ લોક કે પરલોકના ઐહિક સુખો મેળવવાના લક્ષે ધર્મ કરવો નહી પરંતુ સંપૂર્ણ કર્મક્ષય કરવા અને ભવ પરંપરાનું છેદન કરવા માટે ધર્મ કરવામાં આવે છે. આત્માની પૂર્ણ શુદ્ધ અવસ્થા પ્રગટ કરવાના હેતુએ તપ–સંયમનો સ્વીકાર કરવામાં આવે છે. (૬) જેમ અરણીના લાકડામાં અગ્નિ, તલમાં તેલ અને દૂધમાં ઘી છે પણ દેખાતું નથી. તે ઉત્પન્ન થાય છે અને વિનષ્ટ થાય છે પરંતુ આત્માનું આ સ્વરૂપ નથી, તે તો અરૂપી હોવાથી ઇન્દ્રિયગ્રાહ્ય પણ નથી અને અમૂર્ત હોવાથી નિત્ય શાશ્વત છે. આત્મ પરિણામોથી જ નવા કર્મબંધ થાય છે અને કર્મબંધ જ સંસારનો હેતુ છે. તેથી કર્મક્ષય કરવા સંયમ–તપનો સ્વીકાર કરવો પરમ આવશ્યક છે. (૭) આ સંપૂર્ણ સંસાર મૃત્યુથી પીડિત અને જરાથી ઘેરાયેલ છે. વ્યતીત થયેલા દિવસ-રાત ફરીને આવતા નથી. તેથી વર્તમાનમાં જ ધર્મ કરી લેવો.
(૮) જેણે મૃત્યુની સાથે મિત્રતા બાંધી નથી, મૃત્યુથી પલાયન થવાની શક્તિ કેળવી નથી, મૃત્યુનું નિશ્ચય જ્ઞાન મેળવ્યું નથી; તેણે ધર્મને કયારેય પછીના ભરોસે છોડવો નહી.
(૯) જે રીતે સર્પ કાંચળીનો ત્યાગ કરી નિરાસક્ત ભાવે ચાલ્યો જાય છે તે રીતે વિરક્તમુનિ સંસારના સમસ્ત સંયોગો અને ભોગોને છોડી દે છે.
(૧૦) રોહિત મત્સ્ય જાળ કાપીને બહાર નિકળી જાય છે, તેમ ધીર પુરુષ મોહ જાળને કાપી મુક્તવિહારી શ્રમણ બની જાય છે. (૧૧) એકબીજાના નિમિત્તે પણ સંયમ પ્રાપ્તિ થઈ શકે છે. તેથી નિમિત્ત મળતાં સંયમથી વંચિત્ત ન રહેવું. (૧૨) ધન અને કામભોગોને છોડી જીવે અવશ્ય એકલા જ જવું પડે છે.
(૧૩) ભૌતિક સુખો પક્ષીના મુખમાં રહેલા માંસના ટુકડા સમાન દુઃખદાયી છે. માંસના ટુકડાનો ત્યાગ કરવાથી પક્ષી કલહ રહિત થઈ શકે છે. તે પ્રકારે પરિગ્રહ મુક્ત મુનિ પણ પરમ સુખી બને છે. (ઉતરાધ્યન સૂત્રના ૩૬ અધ્યયન ભાષાંતર વાળા મૂળ સૂત્રોમાં થી વાંચવા. અત્યંત જ્ઞાનપૂર્ણ અને રસપ્રદ કથાઓ સાથેના એ અધ્યયનો ને સંક્ષિપ્ત કરવા કઠીન છે. વૈરાગ્યથી ભરેલી એની કેટલીક ગાથાઓ કંઠસ્થ કરવાથી જીવને ઉતમ જ્ઞાન અને પરમ શાંતિનો અનુભવ થાય છે. દિવાના અજવાળે તથા ઉગાળે મોઢે શાન આરાધના ન કરવી . ભગવદ આજ્ઞા પ્રમાણે જ જ્ઞાન પ્રાપ્ત કરવું આત્માને માટે ક્ષેયકર હોય છે.)
પંદરમું અધ્યયન : ભિક્ષુ ગુણ
આ અધ્યયનમાં ભિક્ષુના અનેક વિશિષ્ટ તેમજ સામાન્ય ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે.
(૧) ભિક્ષુ સરલ આત્મા, જ્ઞાનાદિ સહિત, સંકલ્પ–વિકલ્પોનું છેદન કરનાર, પરિચય અને ઇચ્છાઓને ન વધારનાર, અજ્ઞાત ભિક્ષાજીવી, રાત્રિ આહાર-વિહારથી મુક્ત, આગમના જાણકાર, આત્મરક્ષક અને મૂર્છા રહિત હોય છે.
(૨) આક્રોશ અને વધને સમ્યક્ પ્રકારે સહન કરનારા અને હર્ષ શોક ન કરનારા ભિક્ષુ હોય છે.
(૩) શયન—આસન, શીત–ઉષ્ણ, ડાંસ–મચ્છરથી વ્યગ્ન ન થનારા, વંદન–પ્રશંસાની અપેક્ષા ન રાખનારા, આત્માર્થી, તપસ્વી, મોહોત્પાદક સ્ત્રી પુરુષોની સંગતિ ન કરનારા, કુતૂહલ રહિત ભિક્ષુ હોય છે.