________________
આગમસાર–પૂર્વાર્ધ
82
આ પ્રમાણે આ પાંચ વર્ગાત્મક ઉપાંગસૂત્ર નામનું શાસ્ત્ર પૂર્ણ થયું.
ઉત્તરાધ્યયન
સૂત્રનામ અને વિષય :– ઉત્તરાધ્યયન સૂત્ર આગમના વર્તમાન વર્ગીકરણમાં મૂળસૂત્રરૂપે પ્રખ્યાત છે. ઉત્તર+અધ્યયન એટલે શ્રેષ્ઠ અને પ્રધાન અઘ્યયનોનું સંકલન સૂત્ર છે. તેમાં જીવ–અજીવ, પરીષહ, કર્મવાદ, છ દ્રવ્ય, નવ તત્ત્વ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, બાલમરણ, પંડિત મરણ, વૈરાગ્ય અને સંસાર તથા ભગવાન પાર્શ્વ અને મહાવીર પરંપરાના અનેક વિષયોનું સુંદર આકલન છે. સ્વાધ્યાય અને આત્મ ચેતનાની જાગૃતિ માટે આ સૂત્રનું અધ્યયન પઠન ચિંતન–મનન આદરણીય છે.
આ સૂત્રમાં ૧૩ અધ્યયન ધર્મ કથાત્મક છે (૭, ૮, ૯, ૧૨, ૧૩, ૧૪, ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૫, ૨૭), આઠ અધ્યયન ઉપદેશાત્મક છે (૧, ૩, ૪, ૫, ૬, ૧૦, ૨૩, ૩૨), આઠ આચારાત્મક (૨, ૧૧, ૧૫, ૧૬, ૧૭, ૨૪, ૨૬, ૩૫), સાત સૈદ્ધાંતિક (૨૮, ૨૯, ૩૦, ૩૧, ૩૩, ૩૪, ૩૬) છે.
શ્રેષ્ઠ અધ્યયનો અને ઉત્તમ ઉપયોગી વિષયોને કારણે આ સૂત્ર સાધુ-સાધ્વી, શ્રાવક–શ્રાવિકાઓને વિશેષ રુચિકર છે. સેંકડો સાધુ–સાધ્વીજીઓ તેને કંઠસ્થ કરી નિરંતર તેનો સ્વાધ્યાય કરી આત્માનંદની પ્રાપ્તિ કરે છે. આ પ્રમાણે અત્યધિક લોકપ્રિયતાને કારણે આ સૂત્ર માટે એવી શ્રુતિ પરંપરા પણ છે કે—“આ સૂત્ર ભગવાન મહાવીર સ્વામીએ નિર્વાણ સમયે અંતિમ રાત્રિએ સ્વમુખે સંભડાવ્યું છે.” સર્વ જૈન સમુદાયોમાં આ સૂત્રનું પ્રચલન છે. આ સૂત્રનું પરિમાણ ૨૧૦૦ શ્લોકનું માનવામાં આવેલ છે.
પ્રથમ અધ્યયન : વિનય શ્રુત
આ અધ્યયનનું નામ છે “વિનય શ્રુત” છે. વિનયને બાર પ્રકારના તપમાં આત્યંતર તપ કહેવામાં આવ્યું છે. ઉવવાઈ સૂત્રમાં તેના સાત પ્રકાર કહેવામાં આવ્યા છે– (૧) જ્ઞાન વિનય (૨) દર્શન વિનય (૩) ચારિત્ર વિનય (૪) મન વિનય (૫) વચન વિનય (૬) કાયા વિનય (૭) લોકોપચાર વિનય.
દશવૈકાલિક સૂત્રના નવમા અધ્યયનના ચોથા ઉદ્દેશામાં ચાર પ્રકારની વિનય સમાધિ કહેવામાં આવી છે– (૧) વિનય સમાધિ (૨) શ્રુત સમાધિ (૩) તપ સમાધિ (૪) આચાર સમાધિ.
પ્રસ્તુત અધ્યયનમાં વિનયના અનેક રૂપોને લક્ષમાં રાખીને અનેક વિષયોનું સંકલન કરવામાં આવ્યું છે.
(૧) જે ગુરુના ઇશારાથી અને ભાવભંગથી સમજીને તેમના નિર્દેશોનું યથાર્થ પાલન કરે છે, તેમની શુશ્રુષા કરે છે, તે વિનીત શિષ્ય છે. તેનાથી વિપરીત આચરણ કરનાર અવિનીત શિષ્ય કહેવાય છે.
(૨) સડેલા કાનવાળી કુતરીની સમાન અવિનીત શિષ્ય ક્યાંય પણ આદર પામતો નથી. (૩) ગામનો સૂઅર(ભૂંડ) ઉત્તમ ભોજનને છોડીને અશુચિ તરફ દોડે છે, તે જ પ્રકારે અવિનીત આત્મા સદ્ગુણોને છોડી દુર્ગુણોમાં રમણ કરે છે.
ન
(૪) ગુરુ આચાર્યાદિ દ્વારા અનુશાસન પામતાં ભિક્ષુ ક્યારેય ક્રોધ ન કરે અને જો કોઈ ભૂલ થઈ ગઈ હોય તો ક્યારેય છુપાવે નહિ. (૫) આ ભવમાં તથા પરભવમાં બીજાઓ દ્વારા આત્માનું કાયમ દમન થઈ રહ્યું છે, તેની અપેક્ષાએ જ્ઞાની પુરુષોએ જાતે જ આત્મદમન કરવું શ્રેયસ્કર છે. સંયમ અને તપ દ્વારા આત્મદમન કરવું અર્થાત્ સંપૂર્ણ ઇચ્છાઓ તેમજ સંકલ્પ–વિકલ્પોથી રહિત બની જવું જોઇએ, એવું કરવાથી જ આ લોક અને પરલોકમાં આત્મા સુખી બને છે.
(૬) વચનથી, વ્યવહારથી, આસનથી અને આજ્ઞા પાલન દ્વારા ગુરુનો પૂર્ણ વિનય કરવો જોઇએ. આવો વિનયશીલ શિષ્ય શાસ્ત્રજ્ઞાનને તેમજ અનેક સદ્ગુણોને અને યશને પ્રાપ્ત કરે છે.
(૭) સાવધકારી, નિશ્ચયકારી આદિ ભાષાનો પ્રયોગ ન કરવો. એકલા ભિક્ષુએ એકલી સ્ત્રીની સાથે વાર્તાલાપ ન કરવો. (૮) યથાયોગ્ય સમયે કાર્યો કરવા. ભિક્ષાચરીની વિધિઓનું યથાવત્ પાલન કરવું.
(૯) આચાર્ય આદિ ક્યારેક અપ્રસન્ન હોય તો વિવેકપૂર્વક તેમના ચિત્તની આરાધના કરવી, એટલે કે તેમને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવો .
(૧૦) વિનીત શિષ્ય સર્વત્ર પૂજનીય બને છે. તે ગુરુના હૃદયમાં સ્થાન પામી જાય છે. તે તપ અને સંયમની સમાધિથી સંપન્ન બની જાય છે. પાંચ મહાવ્રતોનું પાલન કરતો થકો તે મહાન તેજસ્વી બની જાય છે.
(૧૧) દેવોનો પણ પૂજનીય બની તે વિનીત શિષ્ય અંતમાં સંયમની આરાધના અને સદ્ગતિને પામે છે.
બીજું અધ્યયન : પરીષહ જય
તપ-સંયમનું યથાવત્ પાલન કરતાં થકાં પ્રતિકૂળ પ્રસંગ ઉપસ્થિત થાય છે, તેને પરીષહ' કહેવામાં આવે છે. આ પરિસ્થિતિને ધૈર્ય અને ઉત્સાહથી પાર કરવી અને સંયમ–તપની મર્યાદાથી વિચલિત ન થવું, તેને ‘પરીષહ જીતવો' કહેવાય છે. ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે કે – (માર્ગાદ ચ્યવન નિર્જરા પરિષોઢવ્યાઃ પરીષહાઃ) અર્થાત્ પ્રતિકૂળ પ્રસંગોમાં માર્ગથી વ્યુત ન થાય પણ એકાંત નિર્જરાના અર્થે સમભાવે સહન કરે છે તેને પરીષહ કહેવાય છે.
આ અધ્યયનમાં ભિક્ષુના બાવીસ પરીષહો બતાવી, તેના પર વિજય પ્રાપ્ત કરવાની શિક્ષા આપવામાં આવી છે. (૧) ક્ષુધા પરીષહ– ભિક્ષુ ભૂખથી ક્લાંત થઈને પણ ક્યારેય એષણા સમિતિનો ભંગ ન કરે. તેમજ સચેત વનસ્પતિનું છેદન—ભેદન કરે નહિ અને કરાવે નહિ. ધૈર્યથી ક્ષુધાને સહન કરે.
(૨) તૃષા પરીષહ તૃષાથી પીડિત થવા છતાં પણ સચેત પાણીનું સેવન ન કરે. તરસથી મુખ સુકાઈ જાય છતાંય અદીન ભાવે સહન કરે. દેહ અને આત્મ સ્વરૂપની ભિન્નતાનો વિચાર કરે.