________________
આગમસાર–પૂર્વાર્ધ
54
સમ્યક્ તપ માટેના સોનેરી સુત્રો
પર્યુષણ મહાપર્વ આવી ગયુ છે. ત્યારે દરેકના મનમાં તપ કરવા માટે અત્યંત ઉત્સાહ હોય છે. ઉત્સાહ ખૂબ સારી વસ્તુ છે. પરંતુ તેમાં વિવેક પણ જરૃરી છે. તો જે તપ વ્રતાદિ કરીએ તેનુ સર્વાંગી જ્ઞાન મેળવીને હિતાહિત સમજીને, વૈરાગ્યભાવ સહિત તેમજ શ્રધ્ધાપૂર્વક કરીએ વળી ગુરુભગવંતોની આજ્ઞાપૂર્વક તેમજ તેમની સાક્ષીએ કરીએ.
અંતઃકરણ કોમળ અને શુદ્ધ કરવું એ તપનો મુખ્ય આશય છે ભૂખે મરવું અને ઉપવાસ કરવા એનું નામ તપ નથી પરંતુ માંહીથી શુદ્ધ અંતઃકરણ થાય, ઇન્દ્રિયોને જિતાય, ક્રોધાદિ ઘટે એ આદિ દોષો ઘટે અને ઘણા ગુણો પ્રગટે એ જ સાચા તપનો મુખ્ય આશય છે. તો આવું સમ્યક તપ કરવાના આ રહ્યા સોનેરી સૂત્રો.
(૧) અહંકાર એ તપનું અજીર્ણ છે.
કોઇ પણ વ્રત કે તપનું અભિમાન ન કરવુ અને જો થાય તો વારંવાર વિચારવું કે મને આ અભિમાન કેમ થાય છે ? આમ વારંવાર વિચારતા અવશ્ય તે મોળું પડે છે.
(૨) પ્રશંસાનો મો તપના જંગલને બાળી નાંખે છે.
આપણે જે કાંઇ તપાદિ કરીએ છીએ તેનો એક હેતું લોકોની પ્રશંસા, માન મેળવવાનો પણ હોય છે. ત્યારે પોતાને કહેવું કે લોકો ગમે તેટલી 'વાક વાક' કરે તેથી મારા આત્માને શું ?
(૩) દંભ એ તપનું દૂષણ છે.
કોઇપણ તપ જગતને દેખાવડા માટે ન કરવું, પરંતુ ગુપ્ત પણે કરવું. જો લોકોને દેખાડવાનો પ્રયત્ન કરીશું તો લોકો પર એની અસર થતી નથી. પરંતુ સહજ પણે જો લોકોના જાણવામાં આવે તો ઘણી અસર થાય છે અને લોકોને સારી પ્રેરણા મળે છે.
(૪) ક્રોધથી નિંદા-ઇર્ષ્યા થી તપની નિષ્ફળતા છે.
ક્રોધ, માન, માયા, લોભ, એ ખરેખરા થાય છે. તેનાથી બહુ કર્મ ઉપાર્જન થાય હજાર વર્ષ તપ કર્યુ હોય, પણ એક બે ઘડી ક્રોધ કરે તો બધું તપ નિષ્ફળ જાય. જેમ ઘરમાં આગ લાગે ત્યારે પોતાનું ઘર તો બળે જ છે પણ જો પાહતનો યોગ ન મળે તો બાજુવાળાનું પણ બાળે છે. તેવી જ રીતે ક્રોધ કરનાર વ્યક્તિ પોતે તો દુઃખી થાય છે જ, સાથે સાથે બીજાને પણ દુઃખી કરે છે.
વળી, જ્યારે તપ કરીએ ત્યારે બીજાની નિંદા ન કરીએ, ઇર્ષ્યા, અદેખાઇ- વેરઝેર ન કરીએ કજિયા- કંકાસ કલેશ ન કરીએ, છોકરા છૈયા અને ઘરમાં મારાપણ ન કરીએ. કારણ કે ઉંચી દશાએ જવા માટે તપ- વ્રતાદિ કરવાના છે.
(૫) ફળની ઇચ્છા સહિતનું તપ તે તુચ્છ છે.
તપ કરીને આલોકની કે પરલોકની કોઇપણ ભૌતિક સુખની ઇચ્છા ન કરવી, કેમ કે તપ તો ખરેખર આત્માના કલ્યાણ માટે છે. આત્માને ઓળખવા માટે છે, આત્માને પામવા માટે છે. પ્રભાવના કે ઇનામ મેળવવાની લાલચથી પણ તપ ન કરવું. ઇચ્છા નિરોધ તપ (૬) કુલાચાર કે પરંપરા સાચવવા માટે તપ ન કરવું.
અમારા કુળધર્મમાં આ દિવસે આ તપ કરવાનું કહ્યું છે.એટલે અમે કરીએ છીએ અથવા બાપ-દાદાઓ જે તપ કરતા આવ્યા છે. તે અમે પણ કરીએ, જેથી અમારી પરંપરા ચાલુ રહે. આવી ભાવના પણ ન રાખવી.
(૭) લોકભયથી તપ ન કરવું.
આજે સંવત્સરી છે અને હું એકાસણું પણ નહી કરું તો લોકો શું કહેશે ? એવી લોકનિંદાના ભયથી તપ ન કરવું. (૮) તપના દિવસે ટી.વી. કે સિનેમા ન જોવા.
સમય પસાર કરવા અથવા ભૂખમાં મન ન જાય તે માટે ઘણાં ટી.વી કે સિનેમા જુએ છે તે તો બિલકુલ યોગ્ય નથી. તેના કરતાં તો ઉપવાસ ન કરવા તે વધુ સારું છે. વળી ઘણા પ્રૌષધાદિ કરીને દુકાને બેસે છે. તે પણ યોગ્ય નથી. તપના દિવસે બને ત્યાં સુધી ઉપાશ્રય કે મંદિરમાં ભકિત, જાપ, સ્વાધ્યાય, સાધુ-સેવા વગેરેમાં સમય પસાર કરવો જોઇએ.
(૯) તપનો દુરાગ્રહ ન રાખવો.
પોતાની શક્તિ હોય કે ન હોય, હોસ્પિટલમાં દાખલ થઇને પણ તપ તો કરવું જ એ દુરાગ્રહ છે, સમ્યક્ તપ નથી. તપ પોતાની શકિત પ્રમાણે અને શક્તિને છુપાવ્યા વિના કરવાનું છે.
તિથિનો પણ કદાગ્રહ ન કરવો. જ્ઞાાની પુરુષો એ તિથિની મર્યાદા આત્મર્યે કરી છે. જો ચોક્કસ દિવસ નિષ્ક્રિય ન કર્યો હોત, તો આવશ્યક વિધિઓનો નિયમ રહેત નહી માટે આત્માર્થે તિથિની મર્યાદાનો લાભ લેવો
જેનાથી ખરેખરુ પાપ લાગે છે તે રાગ, દ્વેષ, અજ્ઞાાન, મિથ્યાત્વ પ્રમાદ, વિષય, કષાય, મોક, મમત્વ આદિને રોકવાનું પોતાના હાથમાં છે. પોતાનાથી બને તેવું છે તે રોકતા નથી અને તિથિ વગેરેની ખોટી તકરાર કરીએ છીએ.
(૧૦) તપ ન કરી શકનારને હલકી દ્રષ્ટિથી ન જોવા
કોઇની તપ કરવાની બિલકુલ શક્તિ ન હોય તો તેમને કોસવા કે દુભવવા નહી કે હલકી નજરે ન જોવું, પરંતુ કરુણાબુદ્ધિ રાખવી અને મીઠા શબ્દોએ પ્રોત્સાહિત કરવા.
(૧૧) આગાટ છુટનો દુરુપયોગ ન કરવો
તપમાં કોઇ છૂટ રાખી હોય તો ન છૂટકે જ તેનો ઉપયોગ કરવો પરંતુ દુરુપયોગ ન કરવો.
તપમાં આપનાર અને લેનાર બંનેની જવાબદારી છે. કોઇવાર વ્રત કે તપ તૂટી જાય તો ગુરુ ભગવંત પાસે તેનું પ્રાયશ્ચિત લેવું.
નાની ઉંમરથી જ તપનો અભ્યાસ શરૃ કરીશું તો વૃદ્ધાવસ્થામાં તથા દેહ છોડતી વખતે ખૂબ ઉપયોગી થશે કેમ કે સહન કરવાની ટેવ પડેલી હોય છે.
આવો તો આપણે ઉપરનાં દોષો છોડીને, માત્ર આત્માની શુદ્ધિ માટે પોતાની શકિત પ્રમાણે પણ શકિત છુપાવ્યા વિના તપ કરીએ એ જ
ભાવના સહ..
- કુ. રીના એ શાહ