________________ jainology 325 આગમસાર સુકૃત્યની અનુમોદના ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે. * સર્વ અરિહંતોના વિતરાગ ભાવની, સિદ્ધ ભગવંતોના સિદ્ધ ભાવોની, આચાર્યોના આચારની, ઉપાધ્યાયોની સૂત્ર જ્ઞાન-દાનની, સાધુ-સાધ્વીઓની સમતાની અનુમોદના કરું છું. ધન્ય છે એ પંચ મહાવ્રતધારી આત્માઓ જે ચારિત્ર્યધર્મની મહત્તમ આરાધના કરી રહ્યા છે તથા શ્રાવક અને શ્રાવિકાઓ જે શુદ્ધ શ્રદ્ધાથી ધર્મકરણી કરી વિવિધ વ્રત પચ્ચખાણ અંગીકાર કરી પવિત્ર બન્યા છે એમની હું ત્રિવીધે ત્રિવીધે અનુમોદના કરૂં છું, ભલું જાણું છું. * ધન્ય છે એ પુણ્યશાળી આત્માઓને જેમણે સવારના ઉઠી પંચ પરમેષ્ટીનું સ્મરણ કરી, નિંદ્રાવિધિ કરી રાત્રી દરમ્યાન લાગેલા દોષોની આલોચના કરી છે. સામાયિક, પ્રતિક્રમણ, સ્વાધ્યાય આદિ ઉત્કૃષ્ટ ધર્મની આરાધના કરી છે. તેની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું, ભલું જાણું છું. * ધન્ય છે એ જીવોને જેમણે પંચ પરમેષ્ટીને વંદના નમસ્કાર કરી વિનય ધર્મની આરાધના કરી છે. તથા જેઓ પંચ મહાવ્રતધારી ગુરૂ ગોરાણીના પ્રત્યક્ષ દર્શન કરી ધન્ય બન્યા છે એમની હું ખુબ ખુબ ભાવપૂર્વક અનુમોદના કરું છું. હું પણ કયારે એવો ભાગ્યશાળી બનું, એજ ઇચ્છા ચાહી રહ્યો છું. * ધન્યવાદ એમને જેમણે પંચ મહાવ્રતધારી સંત સતીજીઓને સુઝતું નિર્દોષ, આહાર, પાણી ઔષધ, પાટ-પાટલા આદી સુપાત્ર દાન વહોરાવી એમના સંયમ જીવનની અનુમોદના કરી છે. સુપાત્ર દાન જેવા ઉત્કૃષ્ટ દાનધર્મની આરાધના દ્વારા જેમણે પોતાને પવિત્ર બનાવ્યા છે મને પણ એવી જોગવાઈ મળે એજ અભિલાષા સેવું છું. આ લોકમાં થયેલા સંપૂર્ણ સુપાત્ર દાન તથા અભય દાનની હું ભૂરી-ભૂરી અનુમોદના કરું છું, ભલું જાણું છું, મને પણ એવો શુભ અવસર પ્રાપ્ત થાય એજ ઇચ્છા ચાહી રહ્યો છું. . * ધન્ય છે એ હળકર્મી આત્માઓને જેમણે વીતરાગવાણીનું અમૃતપાન શ્રવણ કરી પોતાને ઉજ્જવળ બનાવ્યા છે. તથા જેઓ જ્ઞાનભ્યાસ કરી રહ્યા છે. સ્વાધ્યાય આદી કરી આત્મજ્ઞાન મેળવી રહ્યા છે. તેમની હું અંત:કરણપૂર્વક અનુમોદના કરું , ભલું જાણું છું, મને પણ એવો શુભ અવસર પ્રાપ્ત થાય એજ ઇચ્છા ચાહી રહ્યો છું. * ખુબ ખુબ ધન્યવાદ એમને કે જેમણે રાત્રી ભોજનનો ત્યાગ કરી ચોખ્ખા ચૌવિહાર કર્યા છે, આવશ્યક પ્રતિક્રમણ કરી “સ્વ” મા પાછા ફર્યા છે, દિશીવ્રત અને રાત્રી વિધી કરી આત્મામાં સંસ્કાર અંકિત કર્યા છે, હું એની ભૂરી ભૂરી અનુમોદના કરું છું. ધન્ય હશે એ દિવસ જયારે હું પણ આવી વિતરાગ આજ્ઞાનું પાલન કરીશ, એજ ઇચ્છા ચાહી રહ્યો છું. * ધન્ય છે એ આત્માઓને જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઇ જીવ પર ઉપકાર કરી તેને ધર્મ માર્ગ પર જવા પ્રેરણા આપે છે, તથા ડગતાને સ્થિર કરી નવાને ધર્મ પમાડે છે. હું એ દરેક આત્માઓનો ઋણી છું, જેને મારા પર ઉપકાર કરી મને ધર્મ માર્ગ પર જવા પ્રેરણા આપી છે. હું આજના દિવસમાં જે કાંઇ સુકૃત્ય ધર્મ આરાધના કરી શકયો છું એ બદલ હું પોતે ધન્યતા અનુભવી રહ્યો છું, અને રોજ વધારેને વધારે ધર્મ પુરૂષાર્થ આદરી આત્મ કલ્યાણ કરી શકું, એજ ભાવના ભાવું છું. સંપૂર્ણ લોકમાં થયેલ જ્ઞાન, દર્શન, ચરિત્ર અને તપની તેમજ સર્વે ધાર્મિક પ્રવૃતીઓની હાર્દિક અનુમોદના કરૂં છું. ભલું જાણું છું, મને પણ વધુને વધુ ધાર્મિક અનુષ્ઠાનનો કરવાનો શુભ અવસર પ્રાપ્ત થાય, એજ ઇચ્છા ચાહી રહ્યો છું.