________________ આગમસાર–પૂર્વાર્ધ 306 જો કોઈ પશુ અથવા મનુષ્ય મૃત્યુના સંકટમાં આવી ગયા હોય અને તેને બચાવનાર કોઈ ન હોય, એવી સ્થિતિમાં ભિક્ષુ તેને બચાવી લે તો તેને છેદ અથવા તપ પ્રાયશ્ચિત્ત આવતું નથી. માત્ર ગુરુની પાસે આલોચના રૂપ નિવેદન કરવું આવશ્યક છે. એ અનુકંપાની પ્રવૃત્તિમાં બાંધવું, છોડવું આદિ ગૃહકાર્ય, આહાર- પાણી દેવું આદિ મર્યાદા ભંગના કાર્ય અથવા જીવવિરાધનાના કોઈ કાર્ય થઈ જાય તો એ દોષોનું લઘુચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત આવે છે. પરંતુ અનુકંપાનું કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી. તો પણ સૂત્રમાં અનુકંપા શબ્દ લગાવીને કથન ક્યું છે તે મોહભાવનો અભાવ સૂચિત્ત કરીને લઘુ પ્રાયશ્ચિત્ત કહેવાની અપેક્ષાએ છે તેમજ સાથે એ પણ બતાવવામાં આવ્યું છે કે કરુણાભાવની પ્રમુખતા હોવાથી ગૃહસ્થ પ્રવૃત્તિનું ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત હોવા છતાં લઘુ પ્રાયશ્ચિત્ત થઈ જાય છે. તીર્થકર ભગવાન મહાવીર સ્વામીએ સંયમ સાધનાના કાળમાં તેજો– લેશ્યાથી ભસ્મ થનારા ગૌશાલકને પોતાની શીતલેશ્યાથી બચાવ્યા અને કેવળજ્ઞાન પછી આ પ્રકારે કહ્યું છે– મેં ગૌશાલકની અનુકંપા માટે શીતલેશ્યા છોડી હતી, જેનાથી વેશ્યાયન બાલતપસ્વીની તેજોલેશ્યા પ્રતિહત થઈ ગઈ હતી.– ભગવતી સૂત્ર શતક–૧૫. આ રીતે પ્રસ્તુત સૂત્રમાં કરુણાભાવ કે અનુકંપા ભાવનું પ્રાયશ્ચિત્ત નથી. પરંતુ એની સાથે ગૃહસ્થની પ્રવૃત્તિ અથવા સંયમ મર્યાદાના ભંગની પ્રવૃત્તિનું જ પ્રાયશ્ચિત્ત છે અને કરુણાભાવ સાથે હોવાથી તે પ્રવૃત્તિનું લઘુ પ્રાયશ્ચિત્ત છે, એવું સમજવું જોઇએ. અનુકંપા પવિત્ર આત્મ પરિણામ છે : અનુકંપાનો અર્થ છે- કોઈ પ્રાણીને દુઃખી જોઈને જોનારાનું હૃદય કરુણાથી ભરાય જાય અને ભાવના જાગૃત થાય કે એનું આ દુઃખ દૂર થઈ જાય એને જ અનુકંપા કહે છે. આ અનુકંપા આત્માનું પરિણામ છે, આત્માનો ગુણ છે અને એકાંત નિર્વદ્ય છે. માટે અનુકંપાનો સાવધ કે નિર્વધ આવો વિકલ્પ કરવાની કોઈ આવશ્યકતા નથી. અનુકંપાના પરિણામોના કારણે કોઈનું દુઃખ દૂર કરવા માટે જે સાધનરૂપ પ્રવૃત્તિ કરાય છે તે પ્રવૃત્તિ સાવદ્ય અને નિર્વદ્ય બન્ને પ્રકારની થઈ શકે છે. જેમ કે ભૂખ તરસથી વ્યાકુલ પુરુષને શ્રાવક દ્વારા અચિત્ત ભોજન અથવા અચિત્ત પાણી દેવામાં આવી શકે છે. અથવા સચિત્ત ભોજન અને સચિત્ત પાણી દેવામાં આવી શકે છે. પરંતુ એનાથી આત્મ પરિણામ રૂપ જે અનુકંપા ભાવ છે, એ ભાવોને અથવા આત્મગુણોને સાવધ નિર્વધના વિકલ્પથી કહી શકાતું નથી. કારણ કે તે તો શુભ તેમજ પવિત્ર આત્મ પરિણામ જ છે. આત્માના આ પવિત્ર પરિણામોના કારણે ગૃહસ્થ પ્રવૃત્તિનું પણ પ્રસ્તુત સૂત્રમાં લઘુ પ્રાયશ્ચિત્ત કહેવાયું છે. અનુકંપાના ભાવોના નિમિત્તથી અન્ય કોઈપણ પ્રવૃત્તિ કરવામાં આવે તો તે પ્રવૃત્તિ માટે યથાયોગ્ય સાવધ અથવા નિર્વધનો ભેદ સમજી લેવો જોઇએ. સાર:- (1) અનુકંપાના આત્મ પરિણામ તો સદા સર્વદા શ્રેષ્ઠ તેમજ પવિત્ર જ હોય છે. (2) અનુકંપાથી કોઈના દુ:ખને દૂર કરવાની જે પ્રવૃત્તિ કરાય છે તે નિર્વદ્ય પણ હોય છે અથવા સાવધ પણ હોય છે. પ્રવૃત્તિ કરવામાં સાધુ તેમજ શ્રાવકને પોત-પોતાની અલગ-અલગ મર્યાદા હોય છે, તદ અનુસાર વિવેક રાખવો જોઇએ. પ્રકરણ-૧૧ દંત–મંજન ઉત્સર્ગ–અપવાદ અને વિવેક જ્ઞાન [ઉદ્દેશક-૩ સૂત્ર-૪૮-૫૦] દશવૈકાલિક અધ્યયન-૩, ગાથા-૩માં દંત પ્રક્ષાલનને અનાચાર કહેલ છે તથા ઔપપાતિક વગેરે અન્ય આગમોમાં અનેક સ્થાનો પર સાધુ-ચર્યામાં (અદંત ધાવણ) પણ એક મહત્ત્વની આવશ્યક ચર્યા કહી છે. વર્તમાન યુગમાં સાધુ-સાધ્વીઓની આહાર–પાણીની સામગ્રી પ્રાચીનકાળ જેવી ન રહેવાને કારણે દંતપ્રક્ષાલન(દંતમંજન) વગેરે ન કરવાથી દાંતોમાં દંતક્ષય” કે પાયરિયા વગેરે રોગો થવાની સંભાવના રહે છે. તેમ છતાં સાધુ-સાધ્વીઓને જિનાજ્ઞાના યથાર્થ પાલન કરવા માટે નીચે લખેલ સાવધાની રાખવી જોઇએ. (1) પૌષ્ટિક પદાર્થોનું સેવન ન કરવું, જો સેવન કરવામાં આવે તો ઉપવાસ વગેરે તપ અવશ્ય કરતા રહેવું જોઈએ. (2) હંમેશાં ઉણોદરી તપ અવશ્ય કરવું અર્થાત્ ભૂખથી ઓછું ખાવું.(૩) અત્યંત ગરમ કે અત્યંત ઠંડા પદાર્થો(વસ્તુઓ) ન વાપરવા. (4) ભોજન ર્યા પછી કે કંઈક ખાધા-પીધા પછી દાંતોને સાફ કરતા થકા થોડું પાણી પી લેવું જોઈએ. સાંજે ચૌવિહાર કરતા સમયે પણ દાંતોને સારી રીતે સાફ કરતાં પાણી પી લેવું જોઈએ. (5) આખો દિવસ એટલે કે વારંવાર ન ખાવું, મર્યાદિત વાર જ ખાવું. ઉપર પ્રમાણે સાવધાની રાખવાથી અદંત ધોવણ નિયમનું પાલન કરતાં છતાં પણ દાંત સ્વસ્થ રહી શકે છે, તેમજ ઇન્દ્રિય નિગ્રહ. બ્રહ્મચર્ય પાલન વગેરેમાં પણ સમાધિ ભાવ રહી શકે છે. આગમોક્ત અદંત ધોવન, અસ્નાન, બ્રહ્મચર્ય, ઉણોદરી તપ, વિગય ત્યાગ તથા અન્ય બાહ્ય-આત્યંતર તપ તેમજ બીજા બધા નિયમો પરસ્પર સંબંધિત છે. માટે આગમોક્ત બધા નિયમોનું યથાર્થ પાલન કરવાથી સ્વાથ્ય તેમજ સંયમમાં સમાધિ કાયમ રહે છે તાત્પર્ય એ છે કે અદંતધાવણ નિયમના પાલનમાં ખાવા-પીવાનો વિવેક જરૂરી છે અને ખાન-પાનના વિવેકથી જ ઇન્દ્રિય નિગ્રહ, બ્રહ્મચર્ય પાલન વગેરેમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે. ઇન્દ્રિય નિગ્રહની સફળતામાં જ સંયમ આરાધનાની સફળતા રહેલી છે. આજ કારણોથી આગમોમાં અદંતધાવણને આટલું વધારે મહત્ત્વ આપેલ છે. સામાન્ય રીતે મંજન કરવું અને દાંત સાફ કરવા સંબંધી ક્રિયાઓ કરવી તે બધી સંયમ જીવનની અયોગ્ય પ્રવૃત્તિઓ છે. પરંતુ જો અસાવધાનીથી કે અન્ય કોઈ કારણોથી દાંત સડી જવા પર ચિકિત્સાને માટે મંજન કરવું કે દાંત સાફ કરવાની ક્રિયાઓ કરવી પડે તો તે અનાચાર નથી, તેમજ તેનું પ્રાયશ્ચિત્ત પણ આવતું નથી. - દાંતોના સડાની ખબર પડ્યા પછી સાધકે ઉપર્યુક્ત સાવધાનીઓ રાખીને જલદીથી ચિકિત્સા(દવા) નિમિત્તે કરવામાં આવતા દંત પ્રક્ષાલનથી મુક્ત થઈ જવું જોઇએ અર્થાત્ સદાને માટે દંતપ્રક્ષાલન પ્રવૃત્તિનો સ્વીકાર ન કરતાં ખાવા-પીવાનો વિવેક કરીને અદંતધાવણ ચર્યાને ફરીથી સ્વીકારી લેવી જોઇએ. પ્રસ્તુત સૂત્રોમાં અકારણ (બ્રમથી, રોગના ભયથી, ખોટા સંસ્કારથી કે આદતથી) મંજન કરવાનું તેમજ પ્રક્ષાલન કરવાનું અને અન્ય કોઈ પદાર્થ લગાવવાનું પ્રાયશ્ચિત્ત કહેલ છે, એવું સમજવું જોઇએ.