________________
jainology |
આગમોમાં સાધકોના બે વિભાગ :–
(૧) જૈન આગમ ભગવતી સૂત્રમાં ઉત્તમ સાધક, શુદ્ધાચારી સાધુઓનો નિગ્રંથના વિભાગમાં સમાવેશ કરેલ છે. વર્તમાનમાં તે છ પ્રકારમાંથી ત્રણ નિથ વિભાગના સાધુ હોઈ શકે છે.
(૨) અનેક આગમો (શાતા સૂત્ર, નિશીથ સૂત્ર, વ્યવહાર સૂત્ર આદિ) માં શિથિલાચારી સામાન્ય સાધકોના અનેક પ્રકાર કહ્યા છે. તે સર્વ મળીને કુલ દશ થાય છે. વર્તમાનમાં એ દશેય શિથિલાચારી વિભાગના શ્રમણો હોઈ શકે છે. એ બન્ને વિભાગોનો પરિચય આ પ્રમાણે છે—
151
આગમસાર
વર્તમાનમાં સંભવિત નિગ્રંથોના ત્રણ વિભાગઃ
(૧) બકુશ નિગ્રંથ :- · સંયમ સમાચારીના આગમિક મુખ્ય તેમજ ગૌણ પ્રાયઃ સર્વ નિયમોનું પાલન કરવા છતાં પણ આ નિગ્રંથોનું શરીર અને ઉપધિની સ્વચ્છતા તરફ વિશેષ લક્ષ્ય થઈ જાય છે. શરીર પ્રત્યે નિર્મોહ ભાવ પણ ઘટી જાય છે. જેથી તે તપ, સ્વાધ્યાય આદિમાં વધારો નહિ કરતાં ખાન-પાનમાં આસક્તિ, ઔષધ સેવનમાં રુચિ અને આળસ–નિદ્રામાં વૃદ્ધિ કરે છે, સાથો સાથ આ નિગ્રંથની અનેક સંયમ ગુણોના વિકાસમાં જાગરૂકતા ઓછી થઈ જાય છે.
તે ઉપરાંત અન્ય પણ સંયમ સમાચારીના નિયમોનો ભંગ કરવાથી અથવા તેના પ્રત્યે ઉપેક્ષાભાવ રાખવાથી આ સાધક ક્રમશઃ નિગ્રંથ વિભાગથી ચ્યુત થઈ જાય છે. કૃષ્ણ, નીલ અને કાપોત એ ત્રણ અશુભ લેશ્યાના પરિણામમાં વધારે સમય સુધી રહે તો આ સાધક નિગ્રંથ વિભાગમાંથી ગબડી પડે છે. અર્થાત્ તેનામાં નિગ્રંથ વિભાગનું છઠ્ઠું સાતમું આદિ ગુણસ્થાન રહેતા નથી, ત્યારે તે શિથિલાચારી વિભાગના ‘પાસસ્થા’ આદિમાં પહોંચી જાય છે.(છઠા ગુણસ્થાનકે છએ લેશ્યાઓ હોય છે.) નિર્દોષ સંયમ પાળવા વાળા સાધકોમાં છએ લેશ્યાઓની શકયતાઓ હોવા છતાં સંયમ રહી શકે છે.
પરંતું સંયમનાં મૂળગુણ કે ઉતરગુણમાં દોષ લગાવવા વાળા સાધકોમાં ત્રણ અશુભ લેશ્યાઓ વિધમાન થાય, તો ત્વરીત ગતિથી તેમનું સંયમ નષ્ટ થઇ જાય છે.
(૨) પ્રતિસેવના કુશીલ નિગ્રંથ :- સંયમ સમાચારીનું આગમ અનુસાર પાલન કરવાની રુચિની સાથે સાથે પ્રયત્ન કરવા છતાં પણ શારીરિક પરિસ્થિતિવશ યા શ્રુત જ્ઞાનની અભિવૃદ્ધિ માટે અને સંઘહિત માટે, સમયે—સમયે મૂલગુણમાં અથવા ઉત્તરગુણોમાં દોષનું સેવન કરે છે. સાથે જ તેને દોષ સમજીને યોગ્ય સમયે શુદ્ધિ પણ કરે છે અને ક્યારેક પરીસહ ઉપસર્ગ સહન કરવાની અસમર્થતાને કારણે પણ દોષ લગાડી લે છે તેમજ ખેદ કરીને શુદ્ધિ પણ કરી લે છે.
પરિસ્થિતિવશ દોષ સેવન કરીને પરિસ્થિતિ દૂર થતાં જ તે દોષને છોડી દે છે અર્થાત્ કોઈપણ દોષની અનાવશ્યક પ્રવૃત્તિને દીર્ઘ સમય સુધી નથી ચલાવતા. આ પ્રકારની સાધનાની સ્થિતિમાં પ્રતિસેવના કુશીલ નિગ્રંથ રહે છે.
કોઈપણ દોષને દીર્ઘ સમય સુધી ચલાવવાથી, શુદ્ધિ કરવાનું લક્ષ્ય ન રાખવાથી ,અન્ય અનેક સમાચારીમાં પણ શિથિલ થઈ જવાથી અથવા તો અશુદ્ધ પ્રરુપણા કરવાથી તે સાધક ક્રમશઃ નિગ્રંથ વિભાગથી ચ્યુત થઈ જાય છે. કૃષ્ણ, નીલ, કપોત એ ત્રણે અશુભ લેશ્યાના પરિણામમાં વધારે સમય સુધી રહે તો સાધક આ નિગ્રંથ વિભાગથી ગબડી પડે છે અર્થાત્ સંયમના છઠ્ઠા સાતમા આદિ ગુણસ્થાનોમાં રહેતો નથી, ત્યારે તે શિથિલાચારી વિભાગના ‘પાસદ્ઘાં’ આદિમાં પહોંચી જાય છે.
(૩) કષાય કુશીલ નિગ્રંથ :- આ સાધક સંયમ સમાચારીનું નિરતિચાર પાલન કરે છે અર્થાત્ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને સંપૂર્ણ સંયમ વિધિઓનું આગમ અનુસાર પાલન કરે છે.
આ સાધક સંજવલન કષાયના ઉદયથી ક્ષણિક અને પ્રગટરૂપે કષાયમાં પરિણત થઈ જાય છે. પરંતુ તે કષાયના કારણે કોઈપણ પ્રકારે સંયમાચરણ ને દૂષિત નથી કરતો.
અનુશાસન ચલાવવામાં કે અનુશાસિત થવા પર અથવા કોઈના અસવ્યવહાર કરવા પર આ સાધકને ક્ષણિક ક્રોધ આવી જાય છે. આજ રીતે ક્ષણિક માન, માયા, લોભનું આચરણ પણ એનાથી થઈ જાય છે. આ કષાયોની અવસ્થા બહારથી અલ્પ કે વિશેષ પણ દેખાતી કેમ ન હોય, પરંતુ અંતરમાં તે સ્થિતિ તુરંતજ દૂર થઈ જાય છે. પ્રતિક્રમણ સમયે તો તે સ્થિતિ સુધરીને સાધકનું હૃદય સર્વથા શુદ્ધ અને પવિત્ર બની જાય છે.
આ સાધકના કષાયના નિમિત્તથી સંયમ મર્યાદાનો ભંગ થઈ જાય તો તેની શુદ્ધ નિગ્રંથ અવસ્થા નથી રહેતી, પરંતુ પૂર્વકથિત પ્રતિસેવના નિગ્રંથ અવસ્થામાં તે ચાલ્યો જાય છે.
કોઈ કષાયની અવસ્થાનો જો પ્રતિક્રમણ સુધીમાં પણ અંત ન થઈ જાય તો એ નિગ્રંથ પોતાની નિગ્રંથ અવસ્થાથી વ્યુત થઈને સંયમ રહિત અથવા સમકિત રહિત અવસ્થાને પણ પ્રાપ્ત કરે છે. આ જ પ્રમાણે પૂર્વે કહેલા બન્ને નિગ્રંથ પણ પ્રતિક્રમણના સમય સુધી કષાય પરિણામોનું સંશોધન ન કરી લે તો પછી નિગ્રંથ વિભાગમાં રહેતા નથી.
કષાયની અલ્પકાલીનતામાં એવં પ્રતિપૂર્ણ સંયમ મર્યાદાનું પાલન કરતાં આ કષાય કુશીલ નિગ્રંથને ક્યારેય ત્રણ અશુભ લેશ્યાના પરિણામ આવી જાય તો પણ તે પોતાના નિગ્રંથ વિભાગથી તત્કાલ ચ્યુત થતો નથી, પરંતુ અશુભ લેશ્યાઓમાં અધિક સમય રહી જાય તો પૂર્ણ શુદ્ધાચારી આ નિગ્રંથ પણ સંયમ અવસ્થાથી વ્યુત થઈ જાય છે.
વિવેક જ્ઞાન :– નિગ્રંથ અવસ્થાથી વ્યુત–ભ્રષ્ટ નહિ થવાના લક્ષ્યવાળા સાધકોએ પોતાના કોઈપણ દોષમાં, કોઈપણ કષાય વૃત્તિમાં, કોઈપણ અશુભ લેશ્યામાં અધિક સમય સ્થિર રહેવું જોઇએ નહિ. સદા સતર્ક, સાવધાન, જાગૃત રહીને વિના વિલંબે એ અવસ્થાઓથી નિવૃત્ત થઈને આત્મ ભાવમાં લીન બની જવું જોઇએ.