________________
jainology |
117
આગમસાર
(૭) સાધકોએ સદા આશાઓનો ત્યાગ કરવો જોઇએ. સાપ જેમ કાંચળીનો ત્યાગ કરે છે તેમ મમતા આદિનો ત્યાગ કરનાર દુઃખ શય્યાથી મુક્ત થઈ જાય છે. (૮) દુષ્કર સમુદ્ર સમાન સંસાર સાગરને મુનિ તરી જાય છે. (૯) બંધ–વિમોક્ષનું સ્વરૂપ જાણીને મુનિ મુક્ત થઈ જાય છે. (૧૦) જેમને આ લોક-પરલોકમાં કિંચિત્ પણ રાગ–ભાવનું બંધન નથી, તે સંસાર–પ્રપંચથી મુક્ત થઈ જાય છે.
ઉપસંહાર :- લિપિ–કાળમાં થયેલા અનેક પ્રકારનાં ઠાણાંગ, સમવાયાંગ સૂત્ર સંબંધી સંપાદનોને લીધે ઐતિહાસિક ભ્રમપૂર્ણ કલ્પિત ઉલ્લેખોને કારણે અને અનેક ઇતિહાસકારોના વ્યક્તિગત ચિંતનના પ્રચારને લીધે આ સૂત્રના દ્વિતીય શ્રુતસ્કંધના મૌલિક સ્વરૂપના વિષયમાં અનેક વિકલ્પો અને પ્રશ્નાર્થ છે પરંતુ કોઈપણ પ્રમાણ વિના માત્ર બૌદ્ધિક કલ્પનાઓને મહત્વ આપવામાં કોઈ જ લાભ નથી. સેંકડો વર્ષના લાંબાકાળમાં સંપાદન અથવા સ્વાર્થપૂર્ણ ઐચ્છિક પરિવર્તન– પરિવર્ધન સૂત્રોમાં સમયે—સમયે થયા છે પરંતુ તે માત્ર વિદ્વાનોને માટે મનનીય છે. સામાન્યજન તો આત્મસંયમના હિતકર વિષયોના અધ્યયનોથી ભરપૂર એવા આ શ્રુતસ્કંધનો શ્રદ્ધાપૂર્વક સ્વાધ્યાય કરે તે જ પૂરતું (શ્રેષ્ઠ) છે. । આચારાંગ સમાપ્ત ॥
(ન પર વઈજજાસિ અયં કુસીલે, જેણં ચ કુષ્પિજજ ન તં વઇજજા .) (દશ૦ અ૦ ૧૦)
અર્થ :– કોઈપણ એક સાધકે અન્ય સાધક માટે, આ કે પેલો કુશીલવાન છે. અર્થાત્ સંયમભ્રષ્ટ કે શિથિલાચારી છે. એવું ભિક્ષુકે ન બોલવું જોઇએ. જે વચનો બોલવાથી કોઈને રોષ ભરાય તેવા કંઈ પણ વચન પ્રયોગ ભિક્ષુઓએ ન કરવા. (સોહી ઉજજુય ભૂયમ્સ, ધમ્મો સુદ્ધમ્સ ચિઠ્ઠઇ ) (ઉત્તરાધ્યયન સૂત્ર અ૦ ૩)
અર્થ :- સરલતાથી પરિપૂર્ણ આત્માની શુદ્ધિ થાય છે માટે કપટ, હોશિયારી, (છલ) આદિ અવગુણોનો ત્યાગ કરીને સાફ અને સરળ હૃદયી બનીએ ત્યારે જ આત્મામાં ધર્મ ટકી શકે છે
સૂત્રકૃતાંગ
ધર્મ અને દર્શન બંને અલગ અલગ શબ્દ છે, બંનેના પોતાના વિષય, ક્ષેત્ર અને લક્ષ્ય અલગ-અલગ છે. ભારતીય દર્શનોમાં ભલે વૈદિક દર્શન (સાંખ્ય યોગ, વૈશેષિક, ન્યાય, મીમાંસા, વેદાન્ત) હોય કે અવૈદિક(જૈન, બૌદ્ધ, ચાર્વાક ) હોય, મુખ્ય પાંચ આધાર તત્ત્વ નજરે આવે છે.
૧. આત્માના સ્વરૂપની વિચારણા.
૨. ઈશ્વરના સ્વરુપ વિષયક ધારણા.
૩. જગત સ્વરૂપ (લોક સત્તા)ની વિચારણા.
૪. કર્મ સિધ્ધાંત અને કર્મફળ વિષે.
૫. તથા આ ઉપરના ચારેનો પરસ્પરમાં સંબંધ અને વ્યવહાર.
આત્માના સુખ–દુ:ખનું ચિંતન આત્મ સ્વરૂપની વિચારણામાં અવશ્ય કરવામાં આવે છે. આત્મા સ્વતંત્ર છે કે પરતંત્ર આત્મા કોને આધીન છે ? ઈશ્વરને કે કર્મને ? તે આધીન કેમ છે ? શું તે હંમેશાં પરતન્ત્ર જ રહેશે ? કે સ્વતંત્ર અસ્તિત્વ પણ છે ? સ્વતંત્ર છે તો ક્યારે અને કેવી રીતે ? અસ્તિત્વનું સ્વરૂપ છે કે નિરાકાર ? જગતનું સ્વરૂપ કેવું છે ? લોક શું છે ? કેવો છે ? સંચાલન કર્તા કોણ છે ? વ્યવસ્થા કેવી રીતે ચાલે છે ? લોકનું અસ્તિત્વ ક્યાં સુધી છે ? ઈશ્વર અને લોક સત્તા, ઈશ્વર અને આત્મા, જીવ અને જગત એ સંબંધોની વિસ્તૃત ચર્ચા તેમજ વિચારણા દર્શનનું કાર્ય છે. દર્શન શાસ્ત્ર દ્વારા ચિંતન કરેલ, વિવેચન કરેલ તત્ત્વો પર આચરણ કરવું, પ્રયોગમાં લાવવું તે ધર્મનું ક્ષેત્ર છે. સુખ–દુ:ખના, મુક્તિના કારણોની ખોજ કરેલ વિષયો પર ચિંતન, મનન કરી દુઃખ મુક્તિ અને સુખ પ્રાપ્તિના ઉપાયો પર પ્રયત્ન કરવો તે ધર્મ નું ક્ષેત્ર છે.
સૂત્ર પરિચય :- પ્રસ્તુત આગમનું નામ સૂત્રકૃતાંગ સૂત્ર છે. આ ગણધર રચિત્ત બીજું અંગશાસ્ત્ર છે. આ આગમમાં સ્વસમય(જૈન સિદ્ધાન્ત) અને પર સમય(અન્ય મતાવલંબીઓ દ્વારા પ્રતિપાદિત સિદ્ધાંતો)ની ચર્ચા વિચારણા,ખંડન અને પ્રસ્તુતિ કરવામાં આવી છે
આ આગમના બે શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુતસ્કંધ પદ્યમય છે, તેમાં ૧૬ અધ્યયન છે, બીજા શ્રુતસ્કંધ માં ૭ અધ્યયન છે, જેમાં પાંચમું અને છઠ્ઠું અધ્યયન પદ્યમય છે, બાકી પાંચ અધ્યયન ગદ્યમય છે.
પ્રથમ અધ્યયનમાં જુદી-જુદી માન્યતાઓની ચર્ચા છે. બાકી પંદર અધ્યયન સંયમ–તપની પ્રેરણા તેમજ સાધ્વાચારના વિષયની પ્રધાનતાવાળા છે. જેમાં પાંચમા અધ્યયનમાં નરકનું વર્ણન છે અને છઠ્ઠું અધ્યયન ભગવાન મહાવીર સ્વામીની સ્તુતિ રૂપ છે.
બીજા શ્રુતસ્કંધ નાં સાત અધ્યયનોમાં એક–એક સ્વતંત્ર વિષયનું પ્રતિપાદન કરવામાં આવેલ છે. આ સૂત્રના નામમાં કે અધ્યયનમાં કોઈ ઐતિહાસિક ભિન્નતા કે વિકલ્પ નથી.
પ્રથમ શ્રુત સ્કન્ધ : પ્રથમ અધ્યયન- સમય.
પ્રથમ ઉદ્દેશક ઃ
(૧) સંસારમાં પરિગ્રહ(ધન–પરિવાર)નો સંગ્રહ તેમજ મમત્વ તથા પ્રાણીવધ (જીવ હિંસા)એ કર્મ બંધના ખાસ કારણો છે. તેને અશરણ ભૂત જાણી તેનો ત્યાગ કરવો જોઇએ.
(૨) ૧. પાંચ મહાભૂત(પૃથ્વી આદિ)થી આત્માની ઉત્પત્તિ માનવા વાળા ૨. સંપૂર્ણ વિશ્વમાં એક જ આત્મા માનવા વાળા ૩. જીવ અને શરીરને એક જ માનવા વાળા ૪. આત્માને કર્મોનો અકર્તા માનવાવાળા ૫. આત્મા સહિત પાંચ ભૂતોને(કુલ છ તત્ત્વોને) માનવાવાળા ૬. ચાર ધાતુ જ(પૃથ્વી આદિ) માનવાવાળા. ૭. આત્માને ક્ષણિક માનવાવાળા; તે બધાજ એકાંતવાદી તેમજ મિથ્યાબુદ્ધિવાળા છે. અજ્ઞાનવશ કર્મ ઉપાર્જન કરી તે વિવિધ યોનિઓમાં જન્મ-મરણ કરે છે.