________________
આગમસાર–પૂર્વાર્ધ
114
(૧૩) શરીર અને શય્યાનું પ્રમાર્જન કરીને પરસ્પર હાથ-પગ ન લાગે એવી રીતે યતનાપૂર્વક સૂવું(શયન કરવું). ખાંસી, છીંક, બગાસા, વાયુ નિસર્ગ આદિ ક્રિયાઓ થાય તો મુખને અથવા ગુદાભાગને હાથથી ઢાંકીને તે પ્રવૃત્તિઓ કરવી. (૧૪)અનુકૂળ અથવા પ્રતિકૂળ શય્યામાં સમાધિભાવ પૂર્વક સમય વ્યતીત કરવો.
ત્રીજું અધ્યયનઇર્યા.
આ અધ્યયનમાં વિચરણ(વિહાર) સંબંધી વર્ણન છે.
(૧) વરસાદ થઈ જાય પછી, લીલું ઘાસ તેમજ ત્રસ જીવોની અધિક ઉત્પત્તિ થયા પછી કે વિરાધના રહિત માર્ગો અનુપલબ્ધ થઈ જાય એ પહેલા, અષાઢી પૂર્ણિમા પહેલાં જ ચાતુર્માસ માટે સ્થિર થઈ જવું જોઇએ.
(૨) જ્યાં આહાર; પાણી, મકાન, પરઠવાની ભૂમિ, સ્વાધ્યાય ભૂમિ વગેરે સુલભ હોય એવા ક્ષેત્રોમાં જ ચાતુર્માસ કરવા.
(૩) ચાતુર્માસ પછી માર્ગ જીવ વિરાધના રહિત બની જાય ત્યારે વિહાર કરવો.
(૪) જીવ રક્ષા અને જતના કરતાં–કરતાં, પગ અને શરીરને સંભાળીને, જાળવીને ચાલવું. વિવેકપૂર્વક વિરાધના રહિત માર્ગો પરથી જવા માટેનો નિર્ણય કરવો. (૫) અનાર્ય પ્રકૃતિનાં લોકોની વસ્તીવાળા ક્ષેત્રો કે માર્ગો પરથી વિહાર ન કરવો. (૬) જન રહિત અતિ—અધિક લાંબા માર્ગો પરથી વિહાર ન કરવો.
(૭) પરિસ્થિતિ ઉપસ્થિત થવા સમયે સૂત્રોક્ત વિવેક અને વિધિઓની સાથે નૌકા વિહાર કરવો કલ્પે છે.
(૮) સાધકને નદીમાં ફેંકી દેવામાં આવે તો તરીને તેને પાર કરવી કલ્પે છે.
(૯) શરીર પાણીની ભિનાશથી રહિત થાય ત્યાં સુધી નદીના કિનારે ઊભું રહેવું. પછી વિરાધના રહિત અથવા અપેક્ષિત અલ્પાતિઅલ્પ વિરાધનાવાળા માર્ગની અન્વેષણા કરી વિહાર કરવો.
(૧૦) વિહાર કરતી વખતે કોઈની સાથે વાતચીત કરતાં–કરતાં ન ચાલવું.
(૧૧) ઘુંટણની નીચે સુધી પાણી હોય, એવાં નદી—નાળાં માર્ગમાં આવે અને અન્ય માર્ગ આસપાસ ન દેખાય તો પાણીનું મંથન ન થાય એવી રીતે તથા અન્ય સૂત્રોક્ત વિવેક રાખીને, (એક પગ પાણીમાં નાખવાથી ઓળંગી શકાય તેટલા નાના વહેણને અનુકંપા અને પ્રાયશ્ચિતનાં ભાવ સાથે) ચાલીને તેને પાર કરવા ક૨ે છે.
(૧૨) અતિ વિષમ અથવા અસમાધિકારક માર્ગો પરથી ન ચાલવું જોઇએ.
(૧૩) ગ્રામ આદિની શુભ-અશુભતાના પરિચય સંબંધી રાહગીરોના પ્રશ્નોનો (કોઈ) ઉત્તર ન આપવો અને એને લગતાં(આવા) પ્રશ્નો પૂછવાં પણ નહીં.
(૧૪) ચાલતી વખતે માર્ગમાં અનેક સ્થાનોને, જળાશયોને અને જીવોને આસક્તિપૂર્વક જોવા નહીં અને દેખાડવાં પણ નહીં. (૧૫) આચાર્ય અથવા રત્નાધિક સાધુઓની સાથે વિનય અને વિવેકપૂર્વક ચાલવું અને બોલવામાં પણ વિવેક રાખવો. (૧૬) પશુ, , અગ્નિ કે પાણી વિશે અથવા માર્ગની લંબાઈ આદિ વિશે કોઈ પથિક પ્રશ્ન પૂછે તો ઉત્તર ન આપતાં, મૌનપૂર્વક, ઉપેક્ષા ભાવથી ગમન કરવું જોઇએ.
(૧૭) માર્ગમાં ચોર, લૂંટારા, થાપદ આદિથી ભયભીત થઈને, ગભરાઈને ભાગ–દોડ ન કરવી, ધીરજ અને વિવેકપૂર્વક ગમન કરવું જોઇએ.
ચોથું અધ્યયન—ભાષા.
આ અધ્યયનમાં ભાષા સંબંધી વર્ણન કરવામાં આવ્યું છે.
(૧) ક્રોધ, માન, માયા અને લોભયુક્ત વચન બોલવાં, જાણે કે અજાણે કઠોર વચન બોલવાં, આ બધી સાવધ ભાષા છે. આવી ભાષા
ન બોલવી. (૨) નિશ્ચયકારી ભાષા ન બોલવી અને અશુદ્ધ ઉચ્ચારણ ન કરતાં વિવેકપૂર્વક શુદ્ધ સ્પષ્ટ ભાષા બોલવી.
(૩) સત્ય અને વ્યવહાર બે પ્રકારની ભાષા બોલવી. તે પણ સાવદ્ય, સક્રિય, કર્કશ, કઠોર, નિષ્ઠુર, છેદકારી, ભેદકારી, ન હોય એવી ભાષા બોલવી.
(૪) એકવાર કે અનેકવાર બોલાવવા છતાં પણ કોઈ ન બોલે તો પણ તેને માટે હીન કે અશુભ શબ્દોનો પ્રયોગ ન કરવો પરંતુ ઉચ્ચ શબ્દ અને સંબોધનનો જ પ્રયોગ કરવો. (૫) કોઈના સંબંધમાં અતિશયોક્તિ યુક્ત વચન ન બોલવાં.
(૬) વરસાદ, ઠંડી, ગરમી, હવા, સુકાળ, દુષ્કાળ, રાત, દિન, વગેરે પ્રાકૃતિક પ્રવૃત્તિઓના સંબંધમાં થશે કે નહિ થાય, એવા સંકલ્પો કે વચન પ્રયોગ ન કરવા. અર્થાત્ આગાહી ન કરવી.(કારણકે પ્રકૃતિ હંમેશા અકળ–જાણી ન શકાય તેવી હોય છે.)
(૭) અન્ય કડવા વચન કે સંબોધન(કોઢી, રોગી, આંધળા વગેરે) ન બોલવા. શુભ સંબોધન વચન(યશસ્વી, ભાગ્યશાળી વગેરે...) બોલવાં. (૮) રમણીય આહાર, પશુ-પક્ષી આદિની સુંદરતા, વગેરેની પ્રશંસા ન કરવી. તેમજ અન્ય પશુ-પક્ષીઓ, ધાન આદિ વિશે પણ અનાવશ્યક, પાપકારી(સાવધ) કે પીડાકારી વચન ન બોલવાં જોઇએ.
(૯) શબ્દ–રૂપ આદિના વિશે રાગ-દ્વેષ ભાવયુક્ત પ્રશંસા કે નિંદા ન કરવી. આમ, કષાયભાવોથી રહિત, વિચારપૂર્વક, ઉતાવળ રહિત, વિવેક સાથે, આવશ્યક અને અસાવધ વચનો બોલવાં જોઇએ.
પાંચમું અધ્યયન–વસ્ત્રા.
આ અધ્યયનમાં વસ્ત્ર સંબંધિત વર્ણન છે.
(૧) ૧. પંચેન્દ્રિય પ્રાણીઓનાં વાળમાંથી બનેલાં વસ્ત્રો ૨. અળસી–વાંસ આદિમાંથી બનેલા વસ્ત્રો ૩. શણ આદિમાંથી બનેલા વસ્ત્રો ૪. તાડ આદિના પાનથી બનેલા વસ્ત્રો ૫. કપાસ(રૂ)થી બનેલા વસ્ત્રો ૬. આકડા આદિના રૂથી બનેલા વસ્ત્રો. આમાંથી સ્વસ્થ ભિક્ષુને કોઈપણ એક પ્રકારના વસ્ત્રો ધારણ કરવા કલ્પે છે. વ્યાખ્યાકારોએ કપાસના વસ્ત્રોને પ્રાથમિકતા આપી છે.