________________
107
આગમસાર
jainology
ચોથો અધ્યયન-સમયકત્વ. પ્રથમ ઉદ્દેશકઃ(૧) ધર્મનો સાર જ એ છે કે કોઈપણ નાના-મોટા પ્રાણીઓને, કોઈપણ પ્રકારના દુઃખ, પીડા કે કષ્ટ ન આપવા – એ સર્વજ્ઞોની આજ્ઞા છે. કહ્યું પણ છે
સબ જીવ રક્ષા, યહી પરિક્ષા, ધર્મ ઉસકો જાનિયે
જહાં હોય હિંસા, નહીં સંશય, અધર્મ ઉસે પરિચાનિયે બધાં પ્રાણીઓ માટે પણ આ જ ધર્મ છે. એવું સમજીને કયારેય પણ આ અહિંસા ધર્મની ઉપેક્ષા ન કરવી. પરંતુ લોકરુચિનો, લોક સંજ્ઞાનો ત્યાગ કરવો. (૨) મનુષ્યભવમાં પણ જો આ જ્ઞાન ન આવ્યું અને વિવેક ન આવ્યો, તો બીજા ભવોમાં તો તે કેમ શક્ય બનશે? (૩) માટે ધીર સાધક અપ્રમાદ ભાવથી અને હંમેશાં યતના પૂર્વક કાર્ય કરે. દ્વિતીય ઉદ્દેશક:(૧) વ્યક્તિના વિવેક દ્વારા, કર્મબંધની ક્ષણો અને કર્મબંધના કાર્યો પણ સંવર, નિર્જરા અને મોક્ષના હેતુરૂપ બની શકે છે, માટે જ કહેવામાં આવે છે કે “વિવેકમાં ધર્મ છે'. (૨) દરેક પ્રાણીનું મૃત્યુ નિશ્ચિત છે, છતાં પણ ઇચ્છાઓને વશ થઈને અસદાચાર દ્વારા અજ્ઞાની જીવ કર્મોનો સંચય કરે છે, ક્રૂર કાર્યો કરીને તેઓ મહાદુઃખી બની જાય છે. (૩) કેટલાક મિથ્યાવાદી હિંસામાં જ ધર્મ માને છે. (૪) જ્ઞાની તેઓને કહે છે કે જેમ તમને સુખ ગમે છે, દુઃખ નથી ગમતું, તેમ બીજા પ્રાણીઓની પણ આ જ મનોદશા હોય છે, તે સ્પષ્ટ છે. બધા જીવો સુખી રહેવા ઇચ્છે છે. દુઃખ બધાને માટે મહા ભયપ્રદ છે. તો પોતાના સુખને માટે બીજાને દુઃખી કરવા, એ ક્યારેય પણ ધર્મ હોઈ શકે નહીં.
તૃતીય ઉદ્દેશક:(૧) જે સંસારી લોકોની રુચિઓનો પ્રવાહ છે, જ્ઞાની તેની હંમેશાં ઉપેક્ષા જ કરે છે અર્થાત્ તે સ્વયં સંસારીઓ જેવા ક્યારેય બનતા નથી. (૨) દુઃખોનું મૂળ હિંસા છે અને આરંભ-સમારંભની પ્રવૃત્તિઓ છે. (૩) ભગવાનની આજ્ઞા પાળનાર મુનિ એકત્વભાવમાં લીન બની, કર્મ ક્ષય કરવા માટે પુરુષાર્થ કરવા કટિબદ્ધ બને. (૪) કર્મરૂપી જીર્ણકાષ્ટને, તપ સંયમરૂપી અગ્નિમાં શીધ્ર ભસ્મ કરી દેવા જોઇએ. (૫) સાધકોએ દરેક ધર્માચરણ અને પાચરણ કરતાં તેમાં આત્મ સમાધિની સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ. (૬) ક્ષણભંગુર જીવનને જાણીને અને સમસ્ત પ્રાણીઓના દુઃખોનો અનુભવ કરીને, પંડિત સાધકોએ કષાયો અને પાપોનો હંમેશાં ત્યાગ કરવો જોઇએ. ચતુર્થ ઉદ્દેશકઃ(૧) સંયમ અને તપની આરાધના સરલ નથી. આત્મ સમાધિની સાથે-સાથે શરીરની સર્વસ્વ આહુતિ આપવાથી જ લક્ષ્યની પુષ્ટિ થાય છે. અતઃ સાધકોએ દરેક અવસ્થામાં પ્રસન્ન રહેવું અને શરીર પ્રત્યેના મમત્વ ભાવોનો ત્યાગ કરવો. (૨) સંયમમાં લીન રહીને લોહી અને માંસને સૂકવી નાખે અર્થાત્ શરીરને કૃશ કરીને કર્મોની સમાપ્તિ કરે, તે જ વીર મુમુક્ષુ સાધક છે (૩) મુનિ કર્મોના વિચિત્ર ફળોને વિચારી, તેનાથી મુક્ત થવાનો હંમેશાં પ્રયાસ કરે. (૪) હંમેશાં વીર પુરુષોના આદર્શોને નજર સમક્ષ રાખીને આત્મવિકાસ કરવામાં પ્રયત્નશીલ રહેવું જોઇએ.
પાંચમો અધ્યયન-લોક સાર પ્રથમ ઉદ્દેશકઃ(૧) સાંસારિક પ્રાણીઓ કારણવશાતુ અથવા વિના કારણે પણ જીવોની ઘાત કરીને પોતે પણ એ જ યોનિમાં જાય છે. (૨) કામભોગ જીવોને ભારેકર્મી બનાવીને સંસારમાં જન્મ-મરણ અને પરિભ્રમણ કરાવે છે અને મુક્તિથી દૂર રાખે છે. તે પ્રાણીઓ મોહથી મૂઢ બની જાય છે. (૩) ચતુર, કશળ પુરુષ (સાધક) વિષય ભોગોનું સેવન કરતા નથી.(૪) રૂપમાં આસક્ત બનેલો જીવ વારંવાર કષ્ટ પામે છે. (૫) કેટલાય જીવો આરંભ-સમારંભમાં રમણતા કરે છે અને તેને જ શરણભૂત સમજે છે, પરંતુ વાસ્તવમાં તે અશરણ ભૂત છે. (૬) કેટલાય સાધક પોતાના કષાયો અને દુષ્ટ પ્રવૃત્તિઓને કારણે એકલ વિહારી બનીને કપટ આદિ અવગુણોમાં મુગ્ધ બનીને ધર્મથી ભ્રષ્ટ થઈ જાય છે. દ્વિતીય ઉદ્દેશક:(૧) ઘણાં સાધક આત્માઓ મનુષ્યભવને અમૂલ્ય અવસર જાણીને, આરંભ– સમારંભનો ત્યાગ કરી ત્યાગી બને છે. અને સર્વશક્તિથી સંયમ અને તપમાં તલ્લીન બની જાય છે. (૨) સર્વજ્ઞ પરમાત્માનો એ જ ઉપદેશ છે કે ઊઠો ! પ્રમાદ ન કરો. જીવોનાં સુખ- દુઃખોને જુઓ અને અહિંસક બનીને સ્વયંની આપત્તિને વૈર્યથી પાર કરો. (૩) સાધકે એવું ચિંતન કરવું કે પહેલાં કે હમણાં બાંધેલા કર્મોનું કરજ મોડું કે વહેલું ચુકવવું તો પડશે જ. શરીર પણ એક દિવસ તો છોડવું જ પડશે. (૪) આવા આત્માર્થી, ચિંતનશીલ જ્ઞાનીઓ માટે સંસાર માર્ગ નથી રહેતો અર્થાત્ તે પરિત સંસારી બની જાય છે.