________________
આગમસાર–પૂર્વાર્ધ
102
(૪) એવી જ રીતે આહાર પાણી પકાવવાનું અને પકાવતાને અનુમોદન આપવાનું કાર્ય પણ અનેક પાપોથી યુક્ત છે અર્થાત્ ઘણાં જીવોની હિંસા કરનાર છે. તેથી અણગારોએ આવા કાર્યોમાં ભાગ ન લેવો અને તેઓને માટે કોઈ આહાર પાણી બનાવે તો તેને ગ્રહણ કરવાની મનથી પણ ઇચ્છા ન કરવી.
(૫) મુનિ ધન-સંપત્તિ રાખવાની મનથી પણ ઇચ્છા ન કરે. સોના અને પત્થરને સમાનભાવથી જુએ. કંઈ પણ ખરીદે નહિ અને ખરીદનારને અનુમોદન આપે નહિ. કારણકે એવું કરનાર વણિક(વ્યાપારી) હોય છે.
(૬) મુનિ સામુદાનિક (અનેક ઘરેથી ફરીને) પ્રાપ્ત થયેલ ભિક્ષાથી જીવન નિર્વાહ કરે, લાભ અલાભમાં સંતુષ્ટ રહે, સ્વાદ માટે કંઈ પણ ન ખાય, પૂજા, પ્રતિષ્ઠા, વંદન નમસ્કાર સન્માનની મનથી પણ ઇચ્છા ન કરે અર્થાત્ એના માટે કોઈ પણ પ્રવૃતિ ન કરે. નિર્મમત્વી અને નિરઅહંકારી બનીને સાધના કરે. મૃત્યુના સમયે આહારનો ત્યાગ કરીને, શરીર પરથી મૂર્છા હટાવીને, દેહાતીત બનીને શુક્લ ધ્યાનમાં લીન બને. આ પ્રકારે આરાધના કરનાર, કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને પરમ નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે.
છત્રીસમું અધ્યયન : જીવ—અજીવ
આ અધ્યયનમાં ૨૭૪ ગાથાઓ છે અને તેનાથી ઓછી–વત્તી પણ મળે . આમાં જીવ–અજીવનું વિસ્તૃત વિવેચનાત્મક વર્ણન છે જે અધિકતમ જીવાભિગમ સૂત્ર અને પ્રજ્ઞાપના સૂત્રમાં ઉપલબ્ધ છે માટે અહીં સંપૂર્ણ સારાંશ લીધેલ નથી. માત્ર પરિચયાત્મક કથન ર્યું છે. (૧) આ અધ્યયનમાં અરૂપી અને રૂપી અજીવના ભેદ–પ્રભેદ સાથે તેમનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે અને પછી જીવના વર્ણનનો પ્રારંભ કરતાં, સિદ્ધોના ભેદ અને સ્વરૂપની સમજણ આપવામાં આવી છે; સાથે—સાથે સિદ્ધસ્થાન, સિદ્ધશિલાનું વર્ણન છે. અંતમાં, સિદ્ધોની અવગાહના અને તેમના અતુલ સુખોનું વર્ણન કરવામાં આવ્યું છે.
(૨) પૃથ્વીકાયનું વર્ણન કરતાં, કઠણ પૃથ્વીના ૩૬ અને મૃદુ પૃથ્વીના સાત ભેદ કહેવામાં આવ્યા છે. અને પછી તેની સ્થિતિ, કાયસ્થિતિ અને અંતર–કાળ વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે.
(૩) પૃથ્વીકાયના વર્ણન અનુસાર બાકીના ચાર સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, નારકીના જીવ, તિર્યંચપંચેન્દ્રિય જલચર આદિ, મનુષ્ય અને ચારેય જાતિના દેવોના ભેદ–પ્રભેદ ; નામ, સ્થિતિ, કાયસ્થિતિ અને અંતરકાળ બતાવવામાં આવ્યા છે.
(૪) આ જીવ–અજીવનું સ્વરૂપ જાણીને અને શ્રદ્ધા કરીને મુનિ સંયમમાં રમણતા કરે. ક્રમશઃ સંલેખના કરે. તે સંલેખના (સંથારો કરવા પહેલાની સાધના) જઘન્ય ૬ મહિનાની, મધ્યમ ૧ વર્ષની અને ઉત્કૃષ્ટ ૧૨ વર્ષની હોય છે.
(૫) મુનિ કોઈ પણ પ્રકારનું નિયાણું ન કરે તેમજ હાસ્ય વિનોદવાળી કાંદર્ષિકવૃત્તિ; મંત્ર કે નિમિત્ત પ્રયોગરૂપ આભિયોગિક વૃત્તિ, કેવળી, ધર્માચાર્ય, સંઘ અને સાધુના અવર્ણવાદ રૂપ કિક્વિષિકવૃત્તિ; રૌદ્રભાવ રૂપ આસુરીવૃત્તિ અને આત્મઘાત રૂપ મોહી વૃત્તિ કરીને સંયમની વિરાધના ન કરે.
(૬) જિનવચનમાં અનુરકત બનીને ભાવપૂર્વક આગમ આજ્ઞાનું પાલન કરવાથી જીવ કર્મમળ રહિત અને સંક્લેશ રહિત બનીને, ક્રમશઃ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બને છે. ૫ ઉત્તરાધ્યયન સૂત્રનો સારાંશ સંપૂર્ણ ગાથા – (અકકોસેજજા પરે ભિકખૂ, ન તેસિં પડિસંજલે .- સરસો હોઈ બાલાણું, તન્હા ભિકખુણ સંજલે ) ઉતરા. – ૨૫ ભાવાર્થ : કોઈના દ્વારા કંઈ પણ દુર્વચન કે દુર્વ્યવહાર કરવા છતાં સાધુ તેની બરાબરી ન કરે. (અર્થાત્ તેના જેવો ન થાય) કારણકે દુર્વ્યવહાર કરનાર બાળ છે, અજ્ઞાની છે, મૂર્ખ છે અને સાધક (ભિક્ષુક) જો તેની બરાબરી કરે તો તે પણ મુર્ખાની કક્ષામાં ગણાશે. આથી, સાધકે ક્યારેય પણ ક્રોધમાં બરાબરી ન કરવી જોઇએ.
ગાથા – (જાએ સદ્ઘાએ નિષ્યંતો, તમેવ અણુપાલિજજા, વિયહિન્દુ વિસોત્તિયં .)
=
ભાવાર્થ : જે ઉત્સાહથી, વૈરાગ્યથી અને જે ભાવનાથી સંયમ લીધેલ છે તે જ ઉત્સાહથી બધી માનસિક, વૈચારિક અને પરિસ્થિતિક બાધાઓને દૂર કરતાં થકા શુદ્ધ સંયમની આરાધના કરવી જોઇએ.........આચારાંગસૂત્ર.
આચારાંગ (પ્રથમ શ્રુત સ્કંધ )
આ સૂત્ર ગણધર સુધર્માકૃત દ્વાદશાંગીમાં પ્રથમ સૂત્ર છે. તેમાં બે શ્રુતસ્કન્ધ (વિભાગ) છે. પ્રથમ વિભાગમાં નવ અધ્યયનનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં સાતમા અધ્યયન સિવાયના આઠ અધ્યયન ઉપલબ્ધ છે. દરેક અધ્યયનમાં અનેક ઉદ્દેશક છે. આ વિભાગમાં સંસારથી વિરક્તિ, સંયમ પાલનમાં ઉત્સાહ અને કર્મો સામે યુદ્ધ કરવાની ક્ષમતા–વૃદ્ધિને બળ આપનારી, સંક્ષિપ્ત વાતો શિખામણરૂપે અને પ્રેરણારૂપે કહેવામાં આવી છે. અંતિમ નવમા અધ્યયનમાં ભગવાન મહાવીર સ્વામીના સંયમી જીવનનો અને એમના કષ્ટમય છદ્મસ્થ કાળનો સંક્ષિપ્ત પરિચય છે. જે સાધકના હૃદયમાં વિવેક અને વીરતા જાગૃત કરે એવા આદર્શરૂપમાં વર્ણવવામાં આવ્યો છે.
બીજા શ્રુત સ્કંધમાં, સંયમ આરાધના કરવા માટે જીવનમાં આવશ્યક પદાર્થ, આહાર, વિહાર, શય્યા, ઉપધિ વગેરેની બાબતોમાં વિવેકનું વિધાન, વિધિ અને નિષેધ વાક્યો દ્વારા વર્ણન કરવામાં આવ્યું છે. ભાષા આદિ અન્ય વિષયોની બાબતમાં પણ વિવેકનું સૂચન કરવામાં આવ્યું છે. અંતમાં ૨૫ ભાવના સહિત, ૫ મહાવ્રતનું સ્વરૂપ સમજાવીને સાથેસાથે ભગવાન મહાવીર સ્વામીની દીક્ષા પહેલાનું તથા દીક્ષા અને કેવલજ્ઞાન પ્રાપ્તિનું સંક્ષિપ્ત વર્ણન કરવામાં આવ્યું છે. તેના પછી ઉપદેશી ઉપમાયુક્ત ૧૨ ગાથાઓવાળું નાનું ‘વિમુક્તિ’ નામક અંતિમ અધ્યયન છે.
આમ, આ આખા સૂત્રનો વિષય સાધકને સંયમમાં ઉત્સાહિત કરવાની અને એના પાલનમાં સાર્વત્રિક વિવેક અને જાગૃતિ રાખવાની પ્રેરણા આપે છે.